મોરબીમાં ગેસ કંપનીઓની મનમાની સામે સિરામિક ઉદ્યોગમાં રોષ
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોપેન અને એલપીજી ગેસની કિંમતમાં ત્રણ મહિનાથી ઘટાડો થઈ રહ્યો છે. આમ છતાં ઘરઆંગણે આ ગેસ સપ્લાય કરતી કંપનીઓ સિન્ડિકેટ બનાવી મનમાની કરીને ઉંચા ભાવ રાખતી હોવાથી સિરામિક એકમો રોષે ભરાયા છે. ખરીદી બંધ કરવાની તૈયારી કરવામાં આવી છે. સિરામિક બનાવતી કંપનીઓ ગેસ કંપનીની નીતિ સામે લાલઘૂમ થઇ છે.
મોરબી સિરામિક એસોસિયેશન હોલ ખાતે ઉધોગકારોની બેઠક મળી હતી. તેમાં થયેલી ચર્ચા મુજબ હાલ આશરે રૂૂ.5000/ રૂૂપિયા પ્રતિ ટન જેટલા ઊંચા ભાવમાં સપ્લાય કરવામાં આવે છે એના કારણે ઉદ્યોગને દૈનિક બે કરોડ અને મહિને 60 કરોડની ખોટ કે ભારણ આવે છે. આ મુદ્દાની ગંભીરતા લઈ ઉદ્યોગ કારો દ્વારા વધુ દાદાગીરી કરતી કેટલીક કંપનીની પરચેઝ બંધ કરવાનો સામુહિક નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોપેન ગેસનો સપ્લાય મુખ્યત્વે આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલ અને એજીઆઈએસ, રિલાયન્સ તથા અદાણી દ્વારા કરવામાં આવે છે.
મોરબી સિરામિક ઉદ્યોગ મહિને 1.20 લાખ ટન પ્રોપેન વાપરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોપેનનો ભાવ ટને રૂૂ. 5000 ઘટી ગયો છે. છતાં ઉદ્યોગ માટે ભાવ ઘટાડો કરાયો નથી. એક ટન દીઠ રૂૂ. 5 હજારના વધારાના નાણા પડાવાય છે. આમ દૈનિક બે કરોડ અને મહિને 60 કરોડનો ધુંબો ઉદ્યોગકારોને લાગે છે તેમ એક અગ્રણીએ કહ્યું હતું.
સિરામિક ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે નવા ઓર્ડરોમાં કાપ છે ત્યારે આવા ડામ ઉદ્યોગને નડી રહ્યા છે. 3 લાખ કરતા વધારે રોજગારી સર્જનારા આ ઉદ્યોગમાં પાંચ લાખ કરતા વધારે પરિવારો જોડાયેલા છે. તેમને પણ લાંબાગાળે નુકસાન જશે. પ્રોપેન અને એલપીજી સપ્લાય કરનારી કંપનીઓની નફાખોરી અતિશય થઈ ગઈ છે. ગેસ આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે જ કંપનીઓ વેંચે તેવી માગ ઉદ્યોગકારોએ કરી છે. આ મુદ્દે સાંસદો અને ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી છે.
