For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંઘર્ષથી જીવનને સજાવતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ

10:49 AM Dec 11, 2024 IST | Bhumika
સંઘર્ષથી જીવનને સજાવતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ
Advertisement

"મા હું પણ સાથે આવીશ, ટ્રેનના પાટા પર તારી સાથે જ સૂઈશ” દીકરાના આ શબ્દોએ આપઘાત કરવા જતાં ધનલક્ષ્મીબેન ત્રિવેદીના જીવનમાં પરિવર્તન આણ્યું

જીવનના દરેક સંઘર્ષમાં મીડિયાનો મજબૂત સાથ મળ્યો છે, મીડિયાએ મને હારવા દીધી નથી: ધનલક્ષ્મી ત્રિવેદી

Advertisement

"સામાન્ય રીતે માતા પિતા બાળકની આંગળી ઝાલીને ચાલતા શીખવતા હોય છે પરંતુ મને આપઘાત કરતા રોકી આંગળી ઝાલી ફરી જીવનની રાહ પર ચાલવાનું મારા દીકરાએ શીખવ્યું છે. જ્યારે ચોમેર અંધારું છવાયું હતું, જીવન અકારું લાગતું હતું એ હતાશાની ક્ષણે જીવન ટૂંકાવવાનો વિચાર આવ્યો,ત્યારે દીકરાએ એમ કહીને રોકી હતી કે, ‘મા હું પણ સાથે આવીશ,ટ્રેનના પાટા પર તારી સાથે જ સૂઈશ,ટ્રેન આવશે તો હું ડરીને ઊભો નહીં થઈ જાવ.તારી સાથે જ રહીશ” તેના આ શબ્દોએ મને અંદરથી હચમચાવી નાખી એટલું જ નહીં જીવનના દરેક સંઘર્ષનો સામનો કરવાનું બળ આપ્યું’. આ શબ્દો છે અનેક સંઘર્ષ બાદ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ તરીકે નામના મેળવનાર અમદાવાદના ધનલક્ષ્મી ત્રિવેદીના.

ધનલક્ષ્મીબેનનો જન્મ અમદાવાદમાં થયો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વધુ અભ્યાસ ન કરી શક્યા પરંતુ ભણતર કરતા ગણતર વધુ હતું એટલે જીવનમાં ક્યારેય હાર્યા નહીં.પોતાના બાળપણની યાદ તાજી કરતા તેઓ જણાવે છે કે, "અમે ક્યારે રોટલી અને શાક એક સાથે ખાધા નથી.પિતાજી લોખંડના કારખાનામાં કામ કરતા હતા. 90 રૂૂપિયાના પગારમાં, ઘરના ભાડા ઉપરાંત વધેલા પૈસામાંથી માતા બપોરે રોટલી પર તેલ લગાવી મીઠું મરચું ભભરાવીને આપતી તો સાંજે બાફેલા બટેટા પર મીઠું મરચું છાંટીને આપતી. આ પરિસ્થિતિમાં ઘણો લાંબો સમય કાઢ્યા પછી હું પણ નાનું-મોટું કામ કરવા લાગી ત્યારબાદ લગ્ન થયા તો ગરીબી અને મુશ્કેલીઓ જાણે આણામાં સાથે આવી.પતિ કંઈ કામ કરતા ન હતા તેનું ભણવાનું ચાલુ હતું એટલે તેનો અભ્યાસ ચાલુ રહે તે માટે ઘરકામ,સિલાઈ કામ સહિત નાના-મોટા અનેક કામ કર્યા. જ્યારે પતિ ગ્રેજ્યુએટ થઈ આગળ ભણવા લાગ્યા ત્યારે તેને હું ગામડાની ગમાર લાગવા લાગી અને તેના જીવનમાં અન્ય સ્ત્રીનું આગમન થયું. આ વાત મને બિલકુલ પસંદ નહોતી તેથી ચાર વર્ષના દીકરા નિહાલને લઈને ઘર છોડ્યું.”

ધનલક્ષ્મીબેનને પહેલેથી જ મહિલાઓને તૈયાર કરવાનો શોખ હતો.લગ્ન બાદ પડોશમાં દીકરીઓને તૈયાર કરતા હતા ત્યારે એક ટીવી કાર્યક્રમ માટે બાળકોને તૈયાર કરવાની ઓફર મળી. પૈસાની જરૂૂર તો હતી જ તેઓએ કામનો સહર્ષ સ્વીકાર કર્યો. આ કામમાંથી તેઓને અનેક બીજા કામ પણ મળવા લાગ્યા.પતિનું ઘર છોડીને અનેક દિવસો ફૂટપાથ પર કાઢ્યા હતા એવા સમયે આ મેકઅપ કરવાની કલા જ કામમાં આવી. ભગવાને મુશ્કેલીઓ આપી તેની સાથે મદદ પણ મોકલી હતી. એ દિવસો યાદ કરતા ધનલક્ષ્મીબેન જણાવે છે કે, "મારા મુશ્કેલીના સમયમાં ફિલ્મ અને નાટ્ય જગતના અભિલાષ ઘોડા, સંદીપ પટેલ,આરતી પટેલ, જીતેન્દ્ર ઠક્કર, ભાવિની જાની,મોરલી પટેલ, જૈમિની ત્રિવેદી, રાગિણી શાહ, દીપક ઘીવાલા વગેરેએ ખૂબ સાથ આપ્યો. 11 વર્ષ ઝી ટીવી ગુજરાતીમાં દિં9 ન્યૂઝ ચેનલમાં ત્યારબાદ ફ્રિલાન્સમાં જુદી જુદી સીરિયલો અને ફિલ્મમાંમેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મીડિયા જગતનો મને પ્રેમ અને સાથ મળ્યો છે, મીડિયા જ મારો પરિવાર છે. મીડિયા, માતા-પિતા અને દીકરાના સાથના કારણે જ હું આજે સફળ છું”

ધનલક્ષ્મીબેને મોટી બા,નિહારિકા, કોમેડી એક્સપ્રેસ, ગગો કે’ દાડાનું પૈણું પૈણું કરતો’ તો,માનવીનો મેળો,ભારત મારો દેશ, 21 દિવસ જલસાઘર,ફિલ્મોમાં મસ્તીની પાઠશાળા, પ્રવાસ,કર્મ વોલેટ, ધ ક્રિયેટર, પુરુષ,માધવ, સહિત 100થી વધુ ફિલ્મો તેમજ અનેક સીરીયલોમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. હિન્દી ફિલ્મ જગતના કોઈપણ કલાકાર અમદાવાદ આવે તો મેકઅપ ધનલક્ષ્મીબેન પાસે જ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. આ ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ સાથે પણ તેમનો કોન્ટ્રાક્ટ છે.ભાવેણા ન્યૂઝ ગુજરાતનું તેઓ સંચાલન સંભાળે છે, દિવ્ય ભાસ્કરની બ્યુટી કોલમ તેઓએ સાત વર્ષ લખી તેમજ મહિલાઓને લગતા અનેક વિષયો પર તેઓ આર્ટીકલ પણ લખે છે. અત્યારે સફળ થયેલા ધનલક્ષ્મીબેન પોતાના સંઘર્ષના દિવસો ક્યારેય ભૂલ્યા નથી અને તેથી જ તેઓ અન્ય લોકોને સહાય કરવા માટે તત્પર હોય છે.તેમના આ સંસ્કાર તેના દીકરામાં પણ આવ્યા છે તેની તેઓને ખુશી છે.તાજેતરમાં રિલીઝ થનાર મૂવી મોભી અને કુંડીમાં તેઓએ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી ફ્લોર પર કામ કરતા રહેવાની અને અન્યને મદદ કરતા રહેવાની તેઓની ઈચ્છા છે. જીવનમાં હંમેશા સફળતા મળતી રહે એવી ધનલક્ષ્મીબેન ત્રિવેદીને શુભેચ્છા.

મુશ્કેલીમાં રડશો નહિ..ડરશો નહિ
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે, "મુશ્કેલીનો સમય દરેકના જીવનમાં આવે છે પરંતુ ક્યારેય હિંમત ન હારો. વિપરિત પરિસ્થિતિમાં રડશો તો આંસુના કારણે ભગવાને દેખાડેલ અન્ય દરવાજા દેખાશે નહીં. લોકો બોલશે પરંતુ જ્યારે સફળ થશો ત્યારે એ જ લોકો તમારી પ્રશંસા કરવા માટે પણ આવશે તેથી મુશ્કેલીમાં રડશો નહિ અને ડરશો પણ નહિ.

મારી સફળતાનો શ્રેય મારા દીકરાને
મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય હું મારા દીકરાને આપું છું.ક્યારેક એ મારો બાપ બને છે તો ક્યારેક ભાઈ અને ઘણી વખત બોયફ્રેન્ડ બનીને લોંગ ડ્રાઈવ પર પણ લઈ જાય છે. 21 વર્ષથી સિંગલ મધર છું પરંતુ દીકરાના કારણે મારે અન્યની જરૂૂર પડી નથી. દીકરો તેના નામ પાછળ મારું નામ લખે છે અને નિહાલ ઠક્કર તરીકે ઓળખાય છે. ઘર છોડ્યું ત્યારે છ વર્ષનો દીકરો આજે 26 વર્ષનો થઈ ગયો છે.તે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરે છે તાજેતરમાં ગુજરાતી ફિલ્મ કલાકાર આરોહી અને તત્સતના લગ્નમાં બધી જ વીડિયોગ્રાફી તેણે કરી છે.

Written By: Bhavana doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement