લોકમેળામાં દરેક સ્ટોલમાં સીસીટીવી કેમેરા ફરજિયાત
કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નિર્ણય: લે-આઉટ પ્લાન પરત મોકલ્યો : સેફ્ટીને ધ્યાને લઈ આ વખતે 90 જેટલા સ્ટોલ અને યાંત્રિક રાઈડસનો કરાશે ઘટાડો: ખાણી-પીણીના સ્ટોલમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવા પડશે
રાજકોટના સુપ્રસિધ્ધ લોકમેળા માટે ગઈકાલે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લોકમેળા સમીતિની બેઠક મળી હતી. જેમાં ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને આ વખતે લોકમેળામાં ફરવા આવતા લોકોની સુરક્ષા માટે દરેક સ્ટોલમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરાશે તેમજ લોકોની સેફ્ટીને ધ્યાને રાખીને આ વખતે 90 જેટલા સ્ટોલ અને યાંત્રિક રાઈડોનો ઘટાડો કરવામાં આવશે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર પર યોજાતા લોકમેળાની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે લોકમેળામાં લોકોની સેફ્ટીને ધ્યાને રાખીને રાજ્ય સરકારના આદેશથી અલગ એસઓપી તૈયાર કરવામાં આવી છે. જેના ભાગરૂપે લોકમેળામાં દરેક સ્ટોલમાં ફરજિયાત સીસીટીવી કેમેરા રાખવાનો નિર્ણયલેવામાં આવ્યો છે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને લોકમેળા કમીટીની બેઠક મળી હતી. આરએનબી દ્વારા તૈયાર કરાયેલ લોકમેળાના લેઆઉટ પ્લાન પરત મોકલવામાં આવ્યો છે. અને લોકોની સુખાકારી અને સુરક્ષાને ધ્યાને રાખીને આ વખતે લોકમેળામાંથી 90 જેટલા સ્ટોલ અને યાંત્રિક રાઈડો ઘટાડો કરી નવો લેઆઉટ પ્લાન તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે.
ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટના લોકમેળામાં લાખો લોકો ફરવા આવતા હોય તેમની સુરક્ષા માટે લોકમેળામાં ખાણી-પીણીના સ્ટોલોમાં ફાયર સેફ્ટીના સાધનો પણ ફરજિયાત કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.નવો લે આઉટ પ્લાન આવી ગયા બાદ લોકમેળાના સ્ટોલ અને યાંત્રિક રાઈડ્સના ભાડામાં વધારો કરવો કે કેમ તે અંગેનો નિર્ણય લોકમેળા કમીટિ દ્વારા લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.