ડિસેમ્બરના અંત સુધીમાં કોર્ષ પૂર્ણ કરવા શાળાઓને CBSEની સૂચના
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી 15મી ફેબ્રુઆરીથી પરીક્ષા લેવાશે. બોર્ડની પરીક્ષાને આડે હવે બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે શહેરની સીબીએસઈ શાળાઓમાં ડિસેમ્બરના અંત સુધીમાં ધોરણ 10 અને 12નો કોર્સ પૂરો કરાવી દેવામાં આવે તે પ્રકારે તૈયારી ચાલી રહી છે.
સાથે સાથે સાપ્તાહિક અને માસિક ટેસ્ટ પણ લેવામાં આવી રહી છે. મુખ્ય પરીક્ષામાં પેપર કેવી રીતે લખવું તેની પણ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. જાન્યુઆરીમાં બોર્ડના વિદ્યાર્થીઓને રિવિઝન કરાવાશે અને ફેબ્રુઆરીમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે.
રાજકોટની મોટાભાગની સેન્ટ્રલ બોર્ડની શાળાઓમાં ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ શાળાઓમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની પ્રેક્ટિસ કરાવાશે. બોર્ડની પરીક્ષામાં જે પ્રકારે પ્રશ્નપત્ર પૂછાય છે તેવી જ પેટર્નના સેમ્પલ પેપર પણ શાળાઓમાં તૈયાર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવવામાં આવશે. શાળાઓમાં CBSE બોર્ડ દ્વારા આપવામાં આવેલા સેમ્પલ પેપરના આધારે પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ શોર્ટકટ રીતે પ્રશ્નો હલ કરે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને સ્ટેપ-વાઇઝ પ્રશ્નો ઉકેલવાની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે.
જેથી બોર્ડની પરીક્ષામાં કોઈ ભૂલ ન થાય અને તમને પૂરા માર્ક્સ મળે. સીબીએસઈની શાળાઓ સામાન્ય રીતે એપ્રિલ માસમાં જ શરૂૂ થઈ જતી હોય છે જ્યારે ગુજરાત બોર્ડની શાળાઓ જૂનમાં શરૂૂ થાય છે. CBSEની સ્કૂલ વહેલી શરૂૂ થઇ હોવાથી ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ કોર્સ પૂરો કરી શકાય છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા છે એટલે ડિસેમ્બરમાં શક્ય એટલા વહેલા કોર્સ પૂરો કરી વિદ્યાર્થીઓને સેમ્પલ પેપરની પ્રેક્ટિસ કરાવાશે. સીબીએસઇ બોર્ડની સાથે આ વખતે ગુજરાત બોર્ડની પણ પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાનાર છે. ગુજરાત બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂૂ થશે.