રાજકોટ વિભાગનાં બસ ડેપોમાં ઢોર-કૂતરાનો અડિંગો
પંખાઓ બંધ હોવાથી બફારામાં નિતરતા મુસાફરો, ગાંધીનગર સુધી ફરિયાદ: બસો બારોબાર જતી હોવાની રાવ: મુસાફરોમાં રોષ
ગુજરાતના અનેક એસ.ટી બસ સ્ટેશન કરોડો રૂૂપિયાના ખર્ચે બનાવ્યા બાદ લોકાર્પણો કર્યા બાદ થોડા સમયમાં જ ઢોરવાડા બની જાય છે. ઢોર અને કુતરાના અડિંગા જોવા મળે છે. અગાઉ ગોંડલ અને ભાવનગર એસટી બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ પર મુસાફરો બેસવાની જગ્યાએ કુતરા આંટા મારતા હતા. અને પ્લેટફોર્મ પર ખુટીયા આંટા મારતા જોવા મળ્યા બાદ રાજકોટમાં પણ ડાઘીયા કુતરા ના આટા ફેરા જોવા મળ્યા હતા. આવું જ એક વધુ એસ.ટી બસ સ્ટેશન સરધાર નું એસ.ટી બસ સ્ટેશન છે કે જ્યાં હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે અને અમરેલી, લાઠી, ભાવનગર, જસદણ, વિછીયા, મહુવા, પાલીતાણા, તળાજા તરફ અવરજવર કરતી અનેક બસો આ એસ.ટી બસ સ્ટેશનમાં દિવસના સમય દરમિયાન આવી રહી છે. રાત્રે બસો આવતી નથી બારોબાર નીકળી જાય છે.
ઘણા સમયથી સરધાર એસ.ટી બસ સ્ટેશનના નવનિયુક્ત બસ સ્ટેશન બાબતે મુસાફરોની ફરિયાદ મુસાફર હિતરક્ષક સમિતિમાં આવતી હોય જે પગલે ગઈકાલે ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ સાઇટ વિઝીટ કરતા સિનિયર ડેપો મેનેજરની પોલ ખુલી ગઈ હતી. અને આ એસ.ટી બસ સ્ટેશન એ બસ સ્ટેશનને બદલે ઢોરવાડો હોય તે પ્રકારે બસ સ્ટેશનના પ્રાંગણમાં જ કે જ્યાં બસ પસાર થાય છે તે જગ્યાએ ઢોરના અડિંગા જોવા મળ્યા હતા અને પ્લેટફોર્મ પર મુસાફરોને બેસવાની જગ્યાએ ડાઘીયા કુતરાના આટા ફેરા જોવા મળ્યા હતા. બફારો હોવા છતાં પણ તમામ પંખાઓ બંધ જોવા મળ્યા હતા અને સાંજે પાંચ પછી આ એસટી બસ સ્ટેશન જાણે નધણિયાતું હોય તેવું લાગતું હતું અને ટ્રાફિક કંટ્રોલર ની ઓફિસમાં અલીગઢી તાળા જોવા મળ્યા હતા જો કે આ બસ સ્ટેશન રોડ ઉપર હોવા છતાં બસને અંદર ટર્ન લેવાતો નથી.
અને બસ સ્ટેશનને બદલે મુસાફરોએ ફરજીયાત પોતાના સર સામાન અને પરિવાર સાથે રોડ પર ઠંડી વરસાદમાં ઊભું રહેવું પડે છે કારણ કે બસ રોડ પરથી નીકળી જાય છે અંદર આવતી નથી અને બારોબાર રોડ પરથી નીકળી જાય છે. કારણ પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે બસ સ્ટેશનમાં ક્રિકેટ રમાતું હોય છે એટલે બસ બારોબાર નીકળી જાય છે. આતો અચરજ પામે તેવી વાત છે. કારણ કે દિવસમાં મુસાફરોને ઢોર અને કુતરા થી ભયભીત થવું પડે છે. અને રાત્રે દડો ન લાગી જાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે. જે પગલે ગજેન્દ્રસિંહ ઝાલા અને અન્ય મુસાફરોને સરધાર બસ સ્ટેશન સામે ભાવનગર રોડ પર ઝરમર વરસાદે ફરજિયાત ઉભું રહેવું પડેલ હતું. ત્યારબાદ 10:45 કલાકે ભાવનગર જામનગર રૂૂટની ભાવનગર ડેપો ની બસ નંબર GJ-18-Z 8975 આવેલ હતી. એ બસ પણ સરધાર એસ.ટી બસ સ્ટેશન ની અંદર જવાને બદલે બારોબાર નીકળી ગઈ હતી.