રેલવેમાં ટેન્ડરની લાલચ આપી કેટરર્સ યુવાન સાથે રૂા. 6 લાખની છેતરપિંડી
ગોલ્ડ લોન કરાવી નાણાં મેળવી હાથ ઉંચા કરી દેનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગ નો વ્યવસાય કરતા એક પર પ્રાંતિય યુવાન જામનગરના જ એક કુંડાળિયા શખ્સની જાળમાં ફસાયા છે અને રેલવેમાં ટેન્ડર ભરવાના બહાને ગોલ્ડ લોન મારફતે રૂૂપિયા 6 લાખ મેળવી લીધા બાદ નાણા પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગ નો વ્યવસાય કરતા મૂળ કેરળ રાજ્યના વતની સુરેસ કુમાર ભાસ્કરન નામના 56 વર્ષના કેટરર્સ યુવાને જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા વિજયસિંહ વાળા નામના કુંડાળીયા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુરેશભાઈ પાસેથી આરોપી વિજયસિંહ વાળાએ અગાઉ રેલવેમાં ટેન્ડર ભરવા માટે રૂૂપિયા 6 લાખ માંગ્યા હતા, તે 6 લાખ રૂૂપિયાની રકમ ફરિયાદીએ ગોલ્ડ લોન કરાવીને આપી હતી. જામનગરમાં ડીકેવી કોલેજ રોડ પર આવેલી એક ખાનગી ગોલ્ડલોનની કંપનીમાંથી પોતાનું સોનું ગીરવે મૂકીને ગોલ્ડ લોન કરાવી આપી હતી. જેના ત્રણેક મહિનામાં 6 લાખ રૂૂપિયા ચૂકવી દેવાનું વિજયસિંહ વાળાએ જણાવ્યું હતું.
પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં રૂૂપિયા પરત આપ્યા ન હતા, અને ફરીયાદી સુરેશ ભાસ્કરને આરોપી વિજયસિંહ વાળાની તપાસ કરાવતાં ઉપરોક્ત વ્યક્તિ કુંડાળીયો હોવાનું અને અન્ય લોકોને પણ પોતાની સાથે ચીટીંગ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી આખરે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કુંડાળિયા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઈ., એસ.આર. ચાવડાએ આઇપીસી કલમ 420 મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.