કુચિયાદળ પાસે ડમ્પર પાછળ અથડાતા કારનો બુક્ડો, બે મિત્રોના મોત
શેઠની કાર લઇ ચારેય મિત્રો નવાગામ મામા સાહેબના મંદિરે માતાજીના માંડવામાં દર્શન કરવા આવી રહ્યા હતા, બે મિત્રને ઇજા
ડમ્પરના ચાલકે સિગ્નલ વગર ઓચિંતો ટ્રેક બદલી રસ્તા પર ઉભુ રાખી દેતા અકસ્માત સર્જાયો
કુવાડવા રોડ પર કુચીયાદળ ગામ પાસે બ્રીજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરના ચાલકે સિગ્નલ વગર જ પોતાનો ટ્રેક બદલાવી પાછળ કાર જે ટ્રેક પર હતી ત્યાં ડમ્પર લાવી ઓચીંતી બ્રેક મારી દેતાં પાછળ વર્ના કાર ધડાકાભેર અથડાતાં બૂકડો બોલી ગયો હતો.જેમાં ચાલક વાંકાનેરના યુવાન સાથે તેમના મિત્ર મુળ બોટાદના યુવાનના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે પાછળ બેઠેલા બે મિત્રોનો ઇજાઓ સાથે બચાવ થયો હતો.ચારેય મિત્રો કારખાનામાં કામ કરતાં હોઇ શેઠની કાર લઇ રાજકોટ નવાગામ મામા સાહેબના મંદિરે માતાજીના માંડવામાં દર્શન કરવા આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
બનાવની વિગતો મુજબ, વાંકાનેર રહેતાં અશોકભાઇ બટુકભાઇ સિતાપરા (ઉ.વ.35) તથા તેના મિત્ર વાંકાનેરના વઘાસીયા ગામે રહેતાં પ્રવિણભાઇ અમરશીભાઇ સારાવડીયા (ઉ.વ.24) તેમજ મુળ બોટાદનો અને હાલ વાંકાનેર રહેતો ધીરજભાઇ ઉર્ફ પ્રદિપભાઇ વિરજીભાઇ જાદવ (ઉ.વ.25) અને અન્ય મિત્ર વાંકાનેરના મનિષભાઇ બટુકભાઇ સિતાપરા (ઉ.વ.32) એમ ચાર મિત્રો શેઠ પ્રફુલભાઇની વર્ના કાર જીજે03સીઇ-7451માં બેસી વાંકાનેર ટોલનાકે આવેલા વ્હાઇટ હાઉસ નામના કારખાનેથી રાજકોટના સાત હનુમાન પાસે આવેલા મામા સાહેબના મંદિરે યોજાયેલા માતા માતાજીના માંડવામાં જવા નીકળ્યા હતાં. શનિવારે રાતે સાડા દસેક વાગ્યે બધા કુચીયાદળ નજીક બ્રીજ ચડતાં હતાં ત્યાં જ આગળ ડમ્પર જતું હોઇ તેને ઓવરટેકઇ કરવા જતાં ડમ્પર ચાલકે કોઇપણ પ્રકારની સાડ આપયા વગર સિગ્નલ બતાવ્યા વગર કાર જે ટ્રક પર હતી તે ટ્રેક પર પોતાનું ડમ્પર લઇ અચાનક બ્રેક મારતાં ડમ્પર પાછળ કાર ધડાકાભેર અથડાઇ હતી.
આ અકસ્માતમાં કારના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. ચારેય મિત્રો અંદર ફસાઇ ગયા હોઇ રાદારીઓએ બહાર કાઢયા હતાં. ડમ્પરના નંબર જીજે03બીવાય-9024 હતાં. કાર અશોકભાઇ સિતાપરા ચલાવતાં અને અને તેની બાજુમાં મિત્ર ધીરજભાઇ ઉર્ફ પ્રદિપભાઇ જાદવ બેઠા હતાં. આ બંને બેભાન હતાં. કોઇએ 108 બોલાવતાં બંનેને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. જ્યારે પ્રવિણભાઇ અને મનિષભાઇને ઇજાઓ થઇ હોઇ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જેમાં પ્રવિણભાઇને જમણા પગે સાળથમાં ગોળામાં, પગની આંગળીમાં, ડાબા ખભે ફ્રેકચર થયું હતું. જ્યારે મનિષભાઇને જમણા પગે ફ્રેકચર અને માથામાં હેમરેજ થયું હોઇ સારવાર માટે દાખલ કરાયા હતાં.
એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. એસ. જાડેજાએ પ્રવિણભાઇ અમરશીભાઇ સારાવડીયા (રહે. વઘાસીયા વાંકાનેર)ની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૃત્યુ પામનાર અશોકભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જ્યારે તેના મિત્ર ધીરજભાઇ ઉર્ફ પ્રદિપભાઇ મુળ બોટાદના વતની હતાં. આ ચારેય મિત્રો વાંકાનેર ટોલનાકે વ્હાઇટ હાઉસ નામના કારખાનામાં મજૂરી કરતાં હતાં. ત્યાંથી શનિવારે રાતે શેઠની કાર લઇને રાજકોટ નવાગામ માતાજીના માંડવામાં જવા નીકળ્યા હતાં અને અકસ્માત નડતાં બે મિત્રોને કાળ ભેટી જતાં કલ્પાંત સર્જાયો હતો.