TET-1ની પરીક્ષામાં ઉમેદવારોને હવેથી 90ના બદલે મળશે 120 મિનિટનો સમય
ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા અડધો કલાક વધારી દેવાયો, ઠરાવ પસાર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી શિક્ષક યોગ્યતા કસોટી-1 (TET-1) ની પરીક્ષાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં એક ઠરાવ પસાર કરીને આ ફેરફારને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. પરીક્ષામાં સમય ઓછો પડતો હોવાથી અનેક પ્રશ્ર્ન છૂટી જતા હોવાની અનેક વખત રાવ ઉઠી હતી તેને ધ્યાનમાં રાખી સમયમાં 30 મીનિટનો વધારો કરી પ્રશ્ર્નની સંખ્યા યથાવત રાખવામાં આવી છે.
અગાઉ, ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-1 પરીક્ષાનો સમય 90 મિનિટનો હતો. હવે શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ, આ પરીક્ષાનો સમય વધારીને 120 મિનિટ (2 કલાક) કરવામાં આવ્યો છે. આ નિર્ણય ઉમેદવારોને પરીક્ષામાં પ્રશ્નોના ઉત્તર આપવા માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી લેવામાં આવ્યો છે. પરીક્ષાના સમયમાં વધારો થયો છે, પરંતુ પ્રશ્નોની સંખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. TET-1 પરીક્ષામાં પ્રશ્નોની સંખ્યા યથાવત રહેશે. આ નિર્ણય ઉમેદવારો માટે એક મોટી રાહત સમાન છે, કારણ કે તેમને દરેક પ્રશ્ન માટે વધુ સમય ફાળવવાની તક મળશે.
શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય તા. 27/04/2011ના ઠરાવમાં સુધારો કરીને લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 01/09/2025ના પત્રથી TET-1 પરીક્ષાના સમયમાં સુધારો કરવા માટેની દરખાસ્ત સરકારને મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત પર પુખ્ત વિચારણા કર્યા બાદ સરકારે તેને મંજૂરી આપી છે, અને આ અંગેનો સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ ફેરફાર શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.