વિસાવદરમાં પ્રચાર પડઘમ બંધ, નેતાઓની ડોર-ટુ-ડોર દોડધામ, ગુરુવારે મતદાન
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આગામી તારીખ 19 જુને મતદાન સાંજે 6 કલાકે પૂરું થશે. ત્યારે ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાન પૂરું થવાના સમયની તુરત પહેલાના 48 કલાક એટલે કે તારીખ 17-06-2025ના રોજ પ્રચાર પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ઘરે-ઘરે ફરીને ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ નથી.
આ 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઘર ઘરની મુલાકાત દરમિયાન એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિઓને જવાની મંજૂરી આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રચાર પ્રતિબંધના સમયગાળા દરમિયાન પક્ષના કાર્યકરો, નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી મતલબ પહેરી શકશે પરંતુ, તેઓને બેનર્સ પ્રદર્શિત કરવાની મંજૂરી આપી શકાશે નહીં.
જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ વહીવટી તંત્ર દ્વારા ખાતરી કરવામાં આવશે. આ સમયગાળામાં પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો, સામુદાયિક હોલ, સમાજની વાડીઓ વગેરે મકાનની હદમા , હોસ્ટેલ્સ તથા ધર્મશાળાઓમાં બંને મતવિસ્તાર સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે .