વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ: કાલે જજમેન્ટ ડે
ભાજપનો 17 વર્ષનો વનવાસ પૂરો થશે કે પછી ઝાડુ ફરશે? કોંગ્રેસ અને શંકરસિંહ બાપુ સતાના સમીકરણો ઉથલાવશે કે ફરી પાણીમાં બેસશે? ભારે વરસાદની આગાહી વચ્ચે લોકોને બહાર લાવવામાં પક્ષો પરસેવો પાડશે
ગુજરાતમાં વિસાવદર સીટની 19મી જૂનના યોજાનારી પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ ગઇકાલે સાંજે 5 વાગ્યાથી શમી ગયા હતા. આ બંને સીટ પર ચૂંટણીનો જંગ વધારે રોચક રહેશે. ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી (આપ) અને શંકરસિંહ વાઘેલાના પક્ષે પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે.
આ સાથે ઉમેદવારોના સભા-સરઘસ, સાઉન્ડથી લોકોને મુક્તિ મળશે. મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર ગ્રુપ મીટિંગ દ્વારા પ્રચાર કરાશે.
19 જૂનના વિસાવદર વિધાનસભા ક્ષેત્રના 294 મથક પર પેટા ચૂંટણી માટે મતદાન થશે. વિસાવદરમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળશે. મહત્ત્વપૂર્ણ છે કે 17 વર્ષથી ભાજપ વિસાવદરમાં ચૂંટણી જીતી શક્યુ નથી. 19 તારીખે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે. અત્યારે જુનાગઢ હવામાન વિભાગ અને દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા 19 તારીખે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, જે રીતે વરસાદ પડી રહ્યો છે, તેને લઈને મતદાનના દિવસે મતદારો મતદાન મથક સુધી કઈ રીતે પહોંચશે ? તેને લઈને પણ ચૂંટણી લડતાં તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો ભારે વિસામણમાં મુકાતા જોવા મળી રહ્યા છે.
કડી તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર 1881ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-25ની જોગવાઇ તથા કેન્દ્રિય ગૃહ મંત્રાલયના તા.8-5-1968ના જાહેરનામા અનુસાર 24-કડી (અ.જા.) તથા 87-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી 19 જૂનના યોજાનાર મતદાનને અનુલક્ષીને સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે.
વિસાવદર બેઠક પર મુખ્ય ધારાના રાષ્ટ્રીય પક્ષો સાથે પ્રાદેશિક પક્ષ પણ વિજયી બન્યા છે. 1962ની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી જીત્યા હતા. 1967માં સ્વતંત્ર પક્ષના કુરજીભાઈ ભેંસાણીયા વિજયી બન્યા હતા. 1972ની ચૂંટણીમાં કોંગ્રેસના રામજીભાઈ કરકર વિજયી બન્યા હતા તો 1975માં કિસાન મજદૂર પ્રજા પાર્ટીના કુરાજી ભેંસણીયા જીત્યા હતા. 1980 અને 1985માં કોંગ્રેસના ધીરજલાલ રિબડીયા વિજયી બન્યા હતા.
1995માં ભાજપનો પ્રથમ વિજય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અપાવ્યો હતો. કેશુભાઈ પટેલ ભાજપથી 1995 અને 1998માં અને પોતાના પ્રાદેશિક પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી 2012માં વિજયી થયા હતા. ભાજપ 2007 બાદ વિસાવદર બેઠક પર જીત મેળવી શક્યું નથી. કોંગ્રેસના હર્ષદ રિબડીયા 2014ની પેટા ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા.
2022 પહેલા હર્ષદ રિબડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી સામે હાર્યા હતા. 1995માં ભાજપની જીત બાદ કેશુભાઇ પટેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. 2002 અને 2007ની બંને વિધાનસભા ચૂંટણીમાં વિજયી બનનાર કનુભાઇ ભાલાળા રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી બન્યા હતા. આ બેઠક પર કેશુભાઈ પટેલ ભાજપ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એમ બે રાજકીય પક્ષોથી જીત્યા છે, જે નોંધનીય છે.