કાલે મંત્રીમંડળનું વિસ્તરણ, મુખ્યમંત્રી યથાવત
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવતીકાલે સવારે 11:30 વાગ્યે શપથવિધિ યોજાશે
કયા પ્રધાનો કપાશે અને કોને લાલ લાઇટની લોટરી લાગશે? ગુજરાતભરમાં અનુમાનો અને અટકળોની આંધીઓ
આજ સાંજ સુધીમાં ઘણા મંત્રીઓ રાજીનામા લઇ લેવાશે, નવાને ફોનથી જાણ કરી દેવાઇ
તમામ ધારાસભ્યોને આજે ગાંધીનગર પહોંચી જવા હાઇકમાન્ડની સૂચના
નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે
ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલનું કાઉન્ટ ડાઉન શરૂૂ થઈ ગયું છે ,મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલની આખી સરકાર નહીં બદલે પરંતુ મંત્રી મંડળનું વિસ્તરણ કરવાની આજે C.M.O. દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવતાં સસ્પેન્સનનો અંત આવ્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલયની યાદી અનુસાર પદનામિત મંત્રીઓનો શપથ વિધિ શુક્રવાર, તા :17 ઓક્ટોબરે સવારે 11 .30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્ય મંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવરાવશે. જોકે વિસ્તરણ દરમિયાન ક્યાં મંત્રીના પતા કાપશે અને કયા ધારાસભ્યોને લાલ લાઇટની લોટરી લાગશે તે અંગે અટકળો અને અનુમાનોની આંધી ઉઠી છે મંત્રી મંડળના વિસ્તરણની જાહેરાતના પગલે તમામ ધારાસભ્યોને આજે ગાંધીનગર પહોંચી જવા હાઈ કમાન્ડ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.
સાથો સાથ ભાજપના કાર્યકરો, હોદેદારોને પણ આવતી કાલે શપથવિધિ માટે આમંત્રણ આપવામાં આવ્યા છે. ગુજરાતના રાજકારણમાં અચાનક જ ઝડપથી ફેરફારો શરૂૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
મંત્રીમંડળના સંભવિત વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે, ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે. આ વિસ્તરણની પ્રક્રિયાને અંતિમ ઓપ આપવા અને નવા મંત્રીઓને શપથ લેવડાવવા માટે કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત આવી રહ્યું છે. સૌપ્રથમ ભાજપના રાષ્ટ્રીયમહામંત્રી સુનિલ બંસલ સહિતના નેતાઓ આજે ગાંધીનગર આવી પહોંચનાર છે અને ઉપરાંત, મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ હાજર રહે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ ગાંધીનગર વિધાનસભા ખાતે ભાજપના ધારાસભ્યો સાથે મહત્ત્વની બેઠક યોજશે, જે વિસ્તરણ પહેલાનું અંતિમ માર્ગદર્શન સત્ર હોઈ શકે છે. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે, અને રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે, ઑક્ટોબર 17, 2025 ના રોજ થનાર છે, નવા મંત્રીઓ શુક્રવારે વિજય મુહૂર્તમાં શપથ લેશે જેના માટે રાજભવન અથવા મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યોજાશે . હાલમાં રાજભવનના બેન્ક્વેટ હોલની સાફસફાઈ પણ શરૂૂ કરી દેવાઈ છે.
મુખ્યમંત્રી આજે રાજ્યપાલને મળીને શપથવિધિ માટેનો સમય માંગશે, જેના પગલે રાજ્યપાલનો શુક્રવારનો મુંબઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મંત્રીપદ માટે લેઉવા પાટીદાર, કડવા પાટીદાર અને આહીર સમાજમાંથી નામો ચર્ચામાં છે, જેમાં જયેશ રાદડિયા, અમરેલીથી મહેશ કસવાલા/કૌશિક વેકરિયા,મોરબીમાંથી પ્રકાશ વરમોરા, જુનાગઢમાં સંજય કોરડીયા, ભાવનગરથી જીતુ વાઘાણી અને આહીર સમાજમાંથી ઉદય કાનગડ,ત્રિકમ છાંગા જેવા નામો પર અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે. આગામી 24 કલાક ગુજરાતના રાજકારણ માટે ખુબજ પ્રવાહી અને નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી ભાજપ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ગાંધીનગરમાં અલગ પ્રકારનો જ ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપના ધરાસભ્યોને પણ ગંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે.
કેબિનેટની બેઠક મંત્રી મંડળના વિસ્તરણ પછી
મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે બુધવારે યોજાનારી કેબીનેટની બેઠક પણ મળી ન હતી. જે આજે મળનાર હતી. પરંતુ તેને રદ કરવામાં આવી હોવાની ચર્ચા છે. હવે નવા મંત્રીમંડળની રચના બાદ જ કેબીનેટની બેઠક મળશે. રાજકીય ગરમાવા વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મુંબઇના પ્રવાસે ગયા છે.
અનેક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવશે
મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવવા માટે રવાના થઇ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આજે ગુજરાત આવે તેવી શકયતા છે. તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે.