કાયદાની કથળેલી સ્થિતિના વિરોધમાં સી.પી. કચેરીને ઘેરાવ
ઉગ્ર સૂત્રોચ્ચાર કરી શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યા અને ક્રિમીનલો હાવી થયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
રાજકોટ શહેરમાં દિવાળી તહેવારમાં ત્રણથી વધુ હત્યા અને ત્યારબાદ ગેંગવોર થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી કોંગ્રેસ દ્વારા આજે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને સરકાર સામે પણ સુત્રચ્ચાર કર્યા હતા.
કમિશનરને પાઠવેલ આવેદનમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર એ રંગીલુ અને શાંત શહેર ગણાય છે પરંતુ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિથરે હાલ બનતી જાય છે. શહેરમાં ખાખીનો ખોફ ઓસરી ગયો છે. ખુલ્લે આમ ગુનાખોરીનો ગ્રાફ ઉચકાયો છે. રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોમાં હત્યાઓ થઈ છે અને અઠવાડિયામાં છ હત્યાઓથી શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. નજીવી બાબતે અથડામણો થાય અને ફોન કરતાની સાથે જ ગેંગ ઉમટી પડે અને હત્યાઓ, ખુની હુમલા મારામારીની ઘટના રોજિદી બની છે. તાજેતરમાં મંગળા રોડ પર બે ગેંગ આમને સામને આવી જતા ફાયરિંગની ઘટનાઓ બની હતી આ ગેંગ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા છે ત્યારે પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા શહેરમાં ગેંગવોરે માથું ઉચક્યું છે. આગામી દિવસોમાં પોલીસ એક્શનમાં નહીં આવે તો આ ગેંગ માંથી વધુ હત્યાઓ પણ નકારી શકાતી નથી.
રાજકોટમાં ચોરી, લૂંટ, સ્પાના નામે ચાલતા કુટણખાના સહિતના ગંભીર ગુનાઓમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. અત્યારે રાજકોટ શહેરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ફોજ હોવા છતાં ક્રાઈમ રેટ ઉચકાયો છે. ક્રાઈમ રેટ અટકાવવામા રાજકોટ શહેર પોલીસ તંત્ર નિષ્ફળ પુરવાર થઇ છે. જેને પગલે રાજકોટની જનતામાં ભયનો માહોલ પેદા થયો છે. શહેરમાં મોટાભાગના ગુનાઓ દેશી અને વિદેશી દારૂૂના હાટડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે ત્યારે પોલીસની મીઠી નજર હેઠળ હપ્તાખોરીના દૂષણના કારણે ચાલતા આવા દારૂૂના અડ્ડાઓ ગુનાખોરીનું હબ બની ગયા છે. રાજકોટ શહેરનું પોલીસ પેટ્રોલિંગ અને નાઈટ પેટ્રોલિંગ ફક્ત કાગળ ઉપર સીમિત બન્યું છે અને રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યાઓ રોજિદી બની છે. જે પોલીસ મથકના તાબા હેઠળ ગુનાખોરી વક્રી રહી છે તે પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેકટર પર પણ કાર્યવાહી થવી જોઈએ.
રજુઆતમાં શહેર પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજા, ઇંદ્રનીલભાઈ રાજ્યગુરુ, નરેન્દ્રભાઈ સોલંકી, ડો.હેમંગભાઈ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, મહેશભાઈ રાજપૂત, ડી. પી. મકવાણા, અતુલભાઈ રાજાણી, સંજયભાઈ આજુડિયા, દીપ્તિબેન સોલંકી, વૈશાલીબેન શિંદે, આદિત્યસિંહ ગોહિલ, હરપલસિંહ જાડેજા, મુકુંદભાઈ ટાંક, રવિભાઈ જીત્યા સહીતના જોડાયા હતા.
