ટેકના ભાવે ખરીદીમાં ભવાડા, ગુજકોમાસોલને ખબર જ નથી!
સરકારે ખરીદનાર એજન્સી જાહેર કરી દીધી પણ ગુજકોમાસોલને જાણ કરવાનું ભુલાઈ ગયું
કાલથી ખરીદી શરૂ થાય તે પહેલાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીનો ઘટસ્ફોટ, સરકારની આબરુ ધુળધાણી
ગુજરાત સરકાર દ્વારા આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામા આવનાર છે. તે પુર્વે મોટો લોચો બહાર આવ્યો છે. રાજય સરકારના પ્રધાન મંડળમાં કરવામાં આવેલા ફેરફારનાં લાલન પાલનમાં સરકાર દ્વારા મગફળીની ખરીદી કરનાર એજન્સી ગુજકોમાસોલને જાણ કરવાનુ જ ભુલાઇ જતા હવે આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે કે કેમ ? તે અંગે અનિશ્ર્ચિતતા ફેલાયેલ છે. આ ભવાડાથી રાજય સરકારની ભારે નાલેશી થઇ છે અને ભાજપના મીડિયા મેનેજરો આ ભુલને કમોસમી વરસાદ સાથે સરખાવી રહયા છે.
મળતી માહિતી મુજબ આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પુર્વે ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણીએ આજે જણાવ્યુ હતુ કે ગુજકોમાસોલને ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકાર દ્વારા આજ સુધી કોઇ જાણ કરવામા આવી નથી. આમ છતા ગુજકોમાસોલનું તંત્ર અને વ્યવસ્થા એટલી મોટી છે કે ગમે ત્યારે અમે વ્યવસ્થા ગોઠવી શકીએ તેમ છીએ.
જો કે આજે બપોર સુધી રાજય સરકારનાં કૃષિ વિભાગ દ્વારા ગુજકોમાસોલને મગફળીની ખરીદી અંગે કોઇ સતાવાર જાણ કરવામા આવી નથી. તેથી સરકારે નિયત કરેલ સમય મર્યાદા તા. 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તેવી શકયતા નહીવત જણાવાય રહી છે.
રાજય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાતમા ખરીદનાર એજન્સી તરીકે ગુજકોમાસોલનુ નામ જાહેર કર્યુ છે. પરંતુ આ અંગે ગુજકોમાસોલને જ જાણ કરવાનુ ભુલાઇ ગયાનું જણાય છે.
જો કે રાજય સરકારે કમોસમી વરસાદનાં કારણે આવતીકાલથી ખરીદી નહીં થાય તેવી વાત કરીને આબરૂ ઢાંકવા પ્રયાસો શરૂ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા 1 નવેમ્બરથી ગુજરાતમા 18 સ્થળે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામા આવી હતી અને આ માટે 9.3ર લાખ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. પરંતુ હવે ખરીદી સામે જ સવાલો ઉભા થયા છે.
બીજી તરફ સરકારના સુત્રોએ જણાવ્યુ હતુ કે અગાઉ, સરકારે મગફળી, અડદ, સોયાબીન અને મગની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી અને 1લી નવેમ્બરથી આ ખરીદી શરૂૂ થવાની હતી. જોકે, છેલ્લા દિવસોમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી અને અન્ય જણસ પલળી ગઈ છે. પાક પલળી જતાં તેની ગુણવત્તા જળવાઈ નથી, જેના કારણે સરકારે હાલમાં ખરીદી પ્રક્રિયા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
ખરીદી રદ થવાની જાહેરાત વચ્ચે, સરકાર દ્વારા મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી. કમોસમી વરસાદમાં મગફળી અને અન્ય જણસ પલળતા હવે આગામી દિવસોમાં પાકની ગુણવત્તા ચકાસીને અથવા અન્ય કોઈ વ્યવસ્થા કરીને ખરીદી પ્રક્રિયા ક્યારે શરૂૂ કરવી તે અંગે સરકાર નિર્ણય લે તેવી શક્યતા છે. આ રદ થવાથી નોંધણી કરાવી ચૂકેલા લાખો ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.
