રાજકોટથી મહાકુંભમાં જવા બસનો પ્રારંભ, પ્રથમ ટ્રિપ જ અડધી ખાલી
45ની ક્ષમતાની વોલ્વોમાં 27 મુસાફરોએ બુકિંગ કરાવ્યું, બે ટિકિટ કેન્સલ અને 25 ભાવિકો પ્રયાગરાજ જવા રવાના
રાજકોટથી પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં જવા માટે આજથી એસ.ટી.ની વોલ્વો બસનો પ્રારંભ થયો હતો. પરંતુ 45 બેઠકની આ બસ પ્રથમ દિવસે જ અડધી ખાલી રવાના થઇ હતી. પ્રથમ ટ્રીપમાં 45ની ક્ષમતા સામે 27 સીટનું બુકિંગ થયુ હતુ. તેમાંથી બે ટિકિટ કેન્સલ થઇ હતી. જયારે 45 મુસાફરો રાજકોટથી કુંભ જવા રવાના થયા હતા.
મહાકુંભમાં ભાગદોડની ઘટના અને ભારે ટ્રાફિક તથા હેરાનગતીના કારણે લોકોમાં મહાકુંભમાં જવાનો ક્રેઝ ઘટયો હોવાનું માનવામાં આવે છે.
શ્રદ્ધાળુઓને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાની સુવિધા આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા નવીન વોલ્વો બસ સેવા શરૂૂ કરવા આવી છે. જે અન્વયે તા.4 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્ય સર્વે ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
મેયર તથા ધારાસભ્યોએ બસમાં મુસાફરોને પુષ્પગુચ્છ આપી અને મોઢું મીઠું કરાવીને યાત્રા આરામદાયક અને સફળ રહે, તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક જે. બી. કલોતરા અને વહીવટી અધિકારી ધવલભાઈ વાઘેલા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.