For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવાળી ઉપર રાતે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની છૂટ

12:06 PM Oct 14, 2025 IST | Bhumika
દિવાળી ઉપર રાતે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની છૂટ

સરકારે ફટાકડા ફોડવા અંગે ગાઈડલાઈન જાહેર કરી : વિદેશી ફટાકડાની આયાત અને વેચાણ ઉપર પણ પ્રતિબંધ

Advertisement

દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે દિવાળી અને નવા વર્ષના તહેવારની ખરીદી માટે બજારોમાં ભીડનો માહોલ છે ત્યારે રાજય સરકાર દ્વારા ફટાકડા ફોડવા અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરી છે. જેને લઇ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળીના તહેવારમાં રાત્રિના 10 વાગ્યા પછી ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવામાં આવી છે.

ઉપરાંત ચાઈનીઝ અને બલુન ન વેચવા આદેશ આપવામાં આવ્યા છે. જાહેર રસ્તા તેમજ ફૂટપાથ ઉપર ફટાકડા ન ફોડવા સૂચના આપવામાં આવી છે. દિવાળીનાં તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષ્ણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશોના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને અગવડ ન પડે તે માટે ફટાકડાના ખરીદ, વેંચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

Advertisement

જેમાં સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ દિવાળીએ રાત્રીનાં 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં. તેમજ ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.ઉપરાંત ભારે ઘોંઘાટવાળા ફટાકડા તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા પર પ્રતિબંધ મુકેલ છે.

લાયસન્સધારક વેપારી સિવાય ફટાકડા વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધીત ઘોષીત થયેલ હોય, જેથી કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, કે રાખી શકાશે નહી, કે વેચાણ કરી શકાશે નહી.ઉપરાંત તમામ ઇ-કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. દિવાળી - દેવ દિવાળી, તથા અન્ય તહેવાર દરમ્યાન ફટાકડા રાત્રીના 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.

તમામ કોર્ટ કચેરી, હોસ્પીટલ, શાળાઓ, કોલેજો - શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મીક સ્થળો, એરપોર્ટની નજીક 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવતા વિસ્તાર તેમજ લોકોને અગવડ ઉભી ન થાય તેની તકેદારી રખવા તેમજ કોઇ પણ ભયજનક પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે રાજકોટ શહેરના બજારો, શેરીઓ, જાહેરરસ્તાઓ, ધાર્મિકસ્થળો, પેટ્રોલપંપ, સી.એન.જી.પંપ, એલ.પી.જી., બોટલિંગપ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.

તેમજ ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ હોય તેવા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગ્રીન ક્રેકર્સ ના નામે પ્રતિબંધિત ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ અને ઉપયોગ થાય છે અને ઘણા કિસ્સામાં ફટાકડાના બોકસ કવર પરનો ક્યુ.આર.કોડ પણ નકલી હોવાનું જાણવા મળ્યું હોય ત્યારે જાહેર સ્વાથ્ય કે પર્યાવરણના ભોગે કોઇ ઉજવણી ન થઇ શકે તે બાબતે આવા પ્રતિબંધિત ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ નહી કરવા સલાહ આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement