માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક, 800થી વધુ વાહનોની લાઈન
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં પુરતા ભાવો મળતા નથી છતાં ખેડુતો ડુંગળી વેંચવા માર્કેટ યાર્ડોમાં લાઈનો લગાવી રહ્યા છે. ગોંડલ-મહુવા-જામનગર ઉપરાંત રાજકોટ માર્કેટયાર્ડમાં પણ ડુંગળી ભરેલા વાહનોની રોજેરોજ લાંબી લાઈનો લાગે છે. તેમાં રાજકોટ માર્કેટ યાર્ડના સબ યાર્ડ (જૂના યાર્ડ) ખાતે ડુંગળીની હરરાજી માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હોવાથી આજે સવારે ડુંગળી ભરેલા 800થી વધુ વાહનોની આંઠ કિલોમીટર લાંબી કતાર લાગી હતી.
યાર્ડના ચેરમેન જયેશ બોઘરા તથા ડિરેક્ટરોએ વહેલી સવારે જ વાહનોમાંથી ડુંગળી ઉતારવા વ્યવસ્થા ગોઠવતા આજે અંદાજે એક લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ હતી. જો કે, ડુંગળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થયું હોવાથી ખેડુતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો મળતા નથી. આ ઉપરાંત મગફળીની સિઝન પણ ચિક્કાર હોવાથી આજે માર્કેટયાર્ડમાં મગફળી ભરેલા 600 વાહનો ઠાલવાયા હતાં અને અંદાજે 70 હજાર ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. હાલ ચોમાસુ મોલાત મગફળી અને કપાસ તૈયાર થઈને માર્કેટ યાર્ડોમાં ઠલવાઈ રહ્યા છે. સાથો સાથ શિયાળુ રોકડીયા પાક ડુંગળી અને લસણની પણ મોટા પ્રમાણમાં આવક થઈ રહી હોવાથી રાજકોટ માર્કેટ યાર્ડના સતાવાળાઓ દ્વારા ડુંગળી જૂના માર્કેટ યાર્ડમાં અને બાકીની જણસો નવા બેડી માર્કેટ યાર્ડ ખાતે ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે.