સોના-ચાંદીના ભાવ પર અંકુશ રાખવા ગુજરાતમાં બુલિયન ટ્રેડિંગ હબ બનાવાશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ,, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અનેક બેંકોના અધિકારીઓની હાજરીમા બેંકો અને જ્વેલર્સ વચ્ચેની ભાગીદારી વધારવાનો મહત્વનો નિર્ણય લેવાશે
4 નવેમ્બરે નાણામંત્રાલયની નવી દિલ્હી ખાતે સત્તાવાર મીટિંગ, ગિફટ સિટીમાં આકાર લેશે બુલિયન હબ
કેન્દ્ર સરકાર હવે ભારતમાં બુલિયન હબ બનાવવા માટે કમર કસી રહ્યું છે. ભારતમાં સોના અને ચાંદી ની કિંમત તો ઉપર અંકુશ રહે અને ટ્રેડિંગ વોલ્યુમ વધારવાના ભાગ રૂૂપે તેમજ બેંકો અને જવેલર્સ વચ્ચેની ભાગીદારી વધારવા ગિફ્ટ સિટીમાં બુલિયન ટ્રેડિંગ હબ શરૂૂ કરવાનો વિચાર સરકાર કરી રહી છે.
નાણા મંત્રાલયે 4 નવેમ્બરે દિલ્હીમાં ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગને લઈને એક મોટી બેઠક બોલાવી છે. આ બેઠકમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ,, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને અનેક બેંકોના અધિકારીઓ હાજરી આપશે.
મળતી માહિતી મુજબ, નાણા મંત્રાલયે 4 નવેમ્બરના રોજ દિલ્હીમાં સોના-ચાંદીના ભાવને નિયંત્રિત કરવા અને GIFT સિટીમાં ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX ) પર ટ્રેડ વોલ્યુમ વધારવા અંગેની ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ જોતાં લાગી રહ્યું છે કે, કેન્દ્ર સરકારે ભારતને વૈશ્વિક બુલિયન ટ્રેડિંગ હબ બનાવવાની તૈયારીઓ તેજ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમા Ministry of Commerce , RBI , DGFT, SEZ અને જાહેર તેમજ ખાનગી બેંકોના વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજરી આપશે. સરકારનો ઉદ્દેશ્ય ભારતને આંતરરાષ્ટ્રીય સોના અને ચાંદીના વેપાર માટેનું કેન્દ્ર બનાવવાનો તેમજ IIBX ને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવાનો છે.
નાણા મંત્રાલય ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમા IIBX પર બેંકની ભાગીદારી વધારવા અને ટ્રેડિંગ સિસ્ટમને વધુ સરળ બનાવવા પર વિચાર કરવામાં આવશે. સોના અને ચાંદીના ભાવમાં વધઘટને નિયંત્રિત કરવા માટેની વ્યૂહરચનાની પણ ચર્ચા કરવામાં આવશે.
GIFT સિટી સ્થિત IIBX ની સ્થાપના ભારતને આંતરરાષ્ટ્રીય બુલિયન બજાર પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી ટ્રેડ વોલ્યુમ અપેક્ષા મુજબ વધ્યું નથી. આથી સરકાર ઇચ્છે છે કે, સ્થાનિક બેંકો, વિદેશી રોકાણકારો અને એક્સચેન્જથી જોડાયેલા લોકો સક્રિય ભૂમિકા ભજવે. આ બેઠકનું પરિણામ દેશના બુલિયન બજારના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે ભારત વિશ્વના સૌથી મોટા સોનાના ખરીદદારોમાનું એક દેશ છે.
આ મિટિંગનો એક ઉદ્દેશ ભારતના જ્વેલર્સ અને બેંકો વચ્ચેની ભાગીદારી વધારવાનો પણ છે. હાલ ક્વોલિફાઇડ જ્વેલર્સ ને બુલિયનમાં ટ્રેડિંગ કરવા માટે 25 કરોડની રકમ ઘટાડીને 5 કરોડ કરવામાં આવશે.
છેલ્લા બે મહિનાથી સોના અને ચાંદીના ભાવમાં જે ભૂતપૂર્વ તેજી જોવા મળી હતી તેનાથી સરકાર પણ ચિંતિત હોવાનું જાણવા મળે છે સોના અને ચાંદીના ભાવમાં 2025 ની સાલમાં જ 45% જેટલો વધારો થતાં બંને ધાતુની કિંમતો આસમાને પહોંચતા સરકાર પણ ચિંતિત થઈ હતી. સોનાની કિંમતો અને અંકુશમાં લાવવા માટે ની એક પહેલ પણ ચાર તારીખની મીટીંગ બની રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.જોકે ચાર તારીખે મળનારી મીટીંગમાં દેશના જ્વેલરી એસોસિએશનને હાલ આમંત્રણ આપવામાં આવ્યું નથી તેવું જાણવા મળે છે. પરંતુ એક નિશ્ચિત રૂૂપરેખા તૈયાર થયા બાદ દેશના મુખ્ય જ્વેલરી એસોસિએશનને વિશ્વાસમાં લેવામાં આવે તેવી સંભાવના છે.
