ભાવનગરમાં બે દરગાહ ઉપર બુલડોઝર ફેરવાયું
ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા અને દબાણ હટાવ સેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં ધાર્મિક સ્થાનો ના દબાણો દુર કરવાની પ્રવૃત્તિ સામે જેતે સમયે પ્રચંડ લોક રોષ વ્યાપી ગયા બાદ ધાર્મિક સ્થાનોના દબાણો દુર કરવાની પ્રવૃત્તિ સામે બ્રેક લાગી હતી જ્યારે આજે ત સવારે દબાણ હટાવ સેલ દ્વારા મસમોટા પોલીસ કાફલા સાથે અને ચુસ્ત બંદોબસ્ત સાથે 2 જે.સી.બી. સાથે ભાવનગર શહેરના રાણીંકા વિસ્તારમાં આવેલા પાંજરીગરા ચોક કે જ્યાં મુસ્લીમ વિસ્તાર છે અને શેરી વિસ્તાર છે.
ત્યાં આવેલા અને હઝરત હાસમમીયા પીરની અને હઝરત કાસમમીયા પીર ની દરગાહ શરીફ ઉપર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી.
આ પ્રશ્ને આ અગાઉ આ વિસ્તારના પુર્વનગરસેવક ઈકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, સલીમભાઈ શેખ સહિતના આગેવાનો દ્વારા રજુઆતો પણ કરવામાં આવી હતી અને ભાવનગર શહેરના ઘણા હિન્દુ મુસ્લીમ ધાર્મિક સ્થાનો તોડવામાં આવતા ત્યારે જનઆક્રોશ જોવા મળ્યો હતો. જેથી મહાનગરપાલિકા દ્વારા બ્રેક લગાવવામાં આવી હતી જ્યારે આજે સવારે મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત બંન્ને ધાર્મિક સ્થાનો ઉપર બુલડોઝર ફેરવી દબાણો દુર કરાયા હતા. આ બાબતે મુસ્લીમ સમાજમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.