દ્વારકામાં ગેરકાયદેસર દબાણ ઉપર વધુ એક વખત ફર્યું બુલડોઝર
દ્વારકા વિસ્તારમાં ગઈકાલે સોમવારે વધુ એક વખત કેટલાક ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જેમાં પાંચ દબાણો દૂર કરાવી તંત્ર દ્વારા 1,750 સ્ક્વેર મીટર જેટલી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ પોરબંદર - દ્વારકા નેશનલ હાઈવે પર સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ ધાર્મિક દબાણનો દૂર કરવા માટે સત્તાવાળાઓ દ્વારા નિયમ મુજબ નોટિસ ઇસ્યૂ કરી અને જે-તે આસામીઓને સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવા માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.
આ નોટિસ પિરિયડ પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ જે-તે આસામીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર ન કરતા ગઈકાલે સંબંધિત તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન તેમજ પ્રાંત અધિકારી કચેરીના સ્ટાફ વિગેરેને સાથે રાખીને હાઈવે માર્ગ પર બરડીયા અને ઓખા મઢી વિસ્તારમાં પાંચ જેટલા ધાર્મિક દબાણો દૂર કર્યા હતા. આ દબાણ દૂર કરી અને આશરે 1,750 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. જેની અંદાજિત કિંમત રૂૂપિયા 1.55 કરોડ જેટલી આંકવામાં આવી છે.
આટલું જ નહીં, ખંભાળિયા, કલ્યાણપુર તાલુકાના હાઈવે પરના વિસ્તારોમાં પણ અન્ય કેટલાક દબાણો પણ આગામી સમયમાં દૂર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.