પાટડીમાં રખડતા આખલાનો આતંક: 82 વર્ષીય વૃદ્ધને સીંગડામાં લઈ ઉછાળ્યા
પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરોના કારણે એક ગંભીર ઘટના સામે આવી છે. 82 વર્ષીય ઈશ્વરભાઈ મનજીભાઇ પટેલ સવારે 10 વાગ્યે શક્તિમાતાજીના મંદિર પાસે પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક માંતેલા સાંઢે પાછળથી હુમલો કરી તેમને સીંગડામાં લઈને જોરથી ઉછાળ્યા હતા.
આ ઘટનામાં વૃદ્ધને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક વિરમગામની શાલિગ્રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની વસ્ત્રાલ સ્થિત સારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ, તેમના પિતા રોજની જેમ સવારે ચાલવા નીકળ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે અને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના રખડતા ઢોરોના કારણે સર્જાતી સમસ્યાની ગંભીરતા દર્શાવે છે.