જિલ્લા પંચાયતની દિવાલ પડતા મકાન ધરાશાયી
ખાટકીવાસમાં ગરીબ પરિવારનો આશરો છીનવાયો, ઘાત ટળી: ઘટના સ્થળે રમતા બાળકોનો બચાવ
રાજકોટ શહેરમાં શનિવારથી શરૂ થયેલ વરસાદે ફરિયાદોનો ઢગલો કર્યો છે. ગઈકાલે રાત્રીના સહકાર મેઈન રોડ ઉપર શ્રી સોસાયટીમાં એક જર્જરીત મકાન ધરાશાયી થયા બાદ આજે ખાટકી વાસમાં જીલ્લા પંચાયતની જર્જરીત દિવાલ એક મકાન ઉપર ધરાશાયી થતાં મકાન કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. સદનસીબે બનાવ વખતે દિવાલની બાજુમાં રમતા બાળકો અને મકાનમાં વસવાટ કરતા પરિવારનો બચાવ થયો હતો.
રાજકોટ જિલ્લા પંચાયતની જૂની કચેરીનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જૂની કચેરીનો મોટાભાગનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે જ્યારે દિવાલ સહિતનું બાંધકામ તોડવાની કામગીરી હાલમાં ચાલુ છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ શરૂ થતાં હાલ કામગીરી બંધ કરવામાં આવી છે. અગાઉ દિવાલ તોડવાની કામગીરી અધુરી રહી જતાં તેમજ દિવાલ ગમે ત્યારે તુટી પડે તેવી સ્થિતિમાં મુકી દેવાતા આજે ખાટકીવાસ તરફ દિવાલ એક મકાન ઉપર તુટી પડતા મકાન ધરાશાયી તઈ ગયું હતું. આ મકાનમાં વસવાટ કરતા મહમદભાઈએ જણાવેલ કે, જિલ્લા પંચાયત કચેરીનું જુનુ બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. અને હવે દિવાલ સહિતનું અમુક બાંધકામ તોડવાનું બાકી છે. વરસાદ શરૂ થતાં આ કામગીરી હાલ સ્થગિત કરાઈ છે. પરંતુ દિવાલની બાજુમાં માટીનો ઢગલો કરવામાં આવી રહ્યો છે.
જેનો ભાર સહન ન થતાં આજે દિવાલ તુટી પડી હતી. ગતાગમ કહેવાય કે, આ દિવાલ એક ઓરડી અને સૌચાલય ઉપર પડેલ તે સમયે દૂર્ઘટના સ્થળે આઠથી 10 બાળકો રમતા હતા જેનો આબાદ બચાવ થયો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ દિવાલ તુટી પડી છે છતાં અડધી દિવાલ જર્જરીત હાલતમાં હોવાથી ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. આથી સત્તાવાળાઓએ આ દિવાલનું બંધકામ સતવરે તોડી પાડવું જોઈએ.