For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જંત્રીની જફા સામે સરકારને રેલો આવે તેવી બિલ્ડરોની રેલી

04:00 PM Dec 09, 2024 IST | Bhumika
જંત્રીની જફા સામે સરકારને રેલો આવે તેવી બિલ્ડરોની રેલી
Advertisement

બિલ્ડરોએ બાંધકામ સાઇટો બંધ રાખી કલેકટરને આપેલું આવેદનપત્ર, હજારો કોન્ટ્રાકટરો-કડિયા કારીગરો પણ જોડાયા

સૂચિત જંત્રી દરો નકકી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ માટે કયો આધાર લેવાયો ? ફોર્મ્યુલા આપવા બિલ્ડરોની માંગણી

Advertisement

જંત્રી બોજના કારણે જમીનના પ્રીમિયમ, સ્ટેમ્પ ડયૂટી, પેઇડ એફએસઆઇ અને GST વધારાનો બોજ આમ જનતા પર પડશે

40 ટકા જમીન કપાત, કોમન પ્લોટની કપાત અને ઉપરથી જંત્રીના તોતિંગ દર વધારાની દરખાસ્ત સામે ઉગ્ર આક્રોશ, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનો પણ ભંગ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જમીન - મકાન સહિતની મિલ્કતોના જંત્રી દરોમાં 2000% સુધીનો વધારો કરવા બહાર પાડવામાં આવેલા ડ્રાફટના કારણે ગુજરાતભરમાં ભારે આક્રોશ સાથે વિરોધની આંધી ઉઠી છે. ત્યારે આજે ગુજરાતભરના બિલ્ડરોએ જિલ્લા મથકોએ બાંધકામ ધંધા બંધ રાખી સુચિત જંત્રી દરોના વિરોધમાં મૌન રેલીઓ કાઢી હતી અને જિલ્લા કલેકટરોને આવેદન પત્રો આપ્યા હતા. આ કાર્યક્રમ મુજબ આજે રાજકોટ શહેરમાં પણ રાજકોટ બિલ્ડર એશોસિએશનના નેજા હેઠળ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા વિવિધ એસો. તથા કડિયા કારીગરોએ વિશાળ મૌન રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.

શહેરના બહુમાળી ભવન ચોકથી નિકળેલી આ રેલીમાં પાંચેક હજાર લોકો જોડાયા હતા અને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી વિવિધ માંગણીઓ સાથેનુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

રાજકોટ બિલ્ડર એશો.એ આપેલા આવેદન પત્રમાં જણાવેલ છે કે બાંધકામ વ્યવસાય સાથે નાના - મોટા 280 થી વધુ ઇન્ડસ્ટ્રીઝ સંકળાયેલા છે અને તેના દ્વારા લાખો લોકો રોજગારી મેળવી રહયા છે. તાજેતરમાં સરકાર દ્વારા જંત્રી દરોમાં વધારો કરાયેલ હોવા છતા ફરી વખત 200% ટકાથી માંડી 2000% સુધીનો તોતીંગ વધારો કરવા જાહેરનામુ બહાર પાડેલ છે અને 30 દિવસમાં વાંધા સુચનો માંગવામાં આવેલ છે. ત્યારે જંત્રી નકકી કરવા માટે રાજય સરકારે 40000 થી વધુ વેલ્યુ ઝોનમાં જંત્રીના સર્વે માટે 18 મહીના સુધી સરકારની ટેકનીકલ ટીમોએ અભ્યાસ કર્યાનુ જણાવેલ છે. પરંતુ વાંધા સુચનો માટે માત્ર 30 દિવસનો સમય અપાયો છે. નાના લોકો અને ખેડુતોમાં આ પ્રક્રિયાની કોઇપણ પ્રકારની જાણ સુધા નથી.

આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં સુચિત જંત્રી દર નકકી કરવા માટે વૈજ્ઞાનિક પધ્ધતિનો આધાર લેવાયાનુ જણાવવામાં આવ્યુ છે. ત્યારે કયો આધાર લેવામાં આવેલ છે તે અંગે આજ સુધી કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી.

આ સિવાય નવી જંત્રી કરવામાં સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનનો ભંગ થતો હોય તેવુ દેખાઇ રહયુ છે. ત્યારે સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન ધ્યાનમાં લઇ મુલ્યાંકન નકકી કરવા તેમજ જંત્રી નકકી કરવામાં ઉપયોગમાં લેવાયેલ વૈજ્ઞાનિક પધ્ધતિની ફોર્મ્યુલા બિલ્ડરોને આપવા માંગણી કરવામાં આવી છે. નવી જંત્રીના અમલથી સરવાળે ખેડુત, મિલ્કત ખરીદનાર અને સામાન્ય પ્રજાજનો પર અસહ્ય બોજો વધી રહેશે તેવુ બિલ્ડરોની માંગણી છે.
વધુમાં જણાવાયુ છે કે સુચિત જંત્રીમાં દર્શાવેલ દરોના કારણે ખેતીની જમીનના શરતફેર, બિનખેતી સહિતના પ્રિમિયમો તેમજ પેઇડ એફએસઆઇ, જીએસટી, સ્ટેમ્પ ડયુટી સહીતનો અસહય બોજ સામાન્ય લોકો પર પડશે અને તેના કારણે બાંધકામ વ્યવસાય ઉપર ગંભીર અસર પડી શકે તેવો ભય છે. હાલમાં જંત્રી દરો સામે વાંધાસુચનો રજુ કરવા માટે અપાયેલ સમય મર્યાદા ખુબજ ઓછી હોય તા. 31-3-2025 સુધી લંબાવવા માંગણી કરાયેલ છે. આ સિવાય સુચિત જંત્રી દરોમાં બે ગામ કે બે ઝોન કે બે સર્વે નંબરમાં મોટી અસમાનતા છે. આથી વેલ્યુ ઝોનની સાથે તેના નકશા પણ જાહેર કરવા માંગણી છે.

શહેરી વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા નવી યોજના બનાવવામાં આવે ત્યારે 40 % જમીન કોઇપણ પ્રકારના વળતર વગર કાપી લેવામાં આવે છે. ત્યાર બાદ વધેલી જમીનમાંથી 10 % કોમન પ્લોટ મુકવો ફરજીયાત છે. જેના કારણે પ0 % થી વધુ જમીન ખેડુતના હાથમાંથી જતી રહેતી હોય જેની અસર જમીનની કિંમત ઉપર પડે છે. આવી સ્થિતિમાં જંત્રી દર વધારા અંગે પ્રજા હિતમાં યોગ્ય નિર્ણય લેવા રાજકોટ બિલ્ડર એશો. એ માંગણી કરી છે.

પ્લાન-કમ્પ્લીશન એક માસમાં પાસ કરી આપો, TPO પોઝિટિવ મૂકો
સરકાર દ્વારા જાહેર કરેલ સૂચિત જંત્રી દર બાબતે અનેક વખત રજૂઆત કરવા છતા ન્યાય નહી મળતા ક્રેડાઇ દ્વારા રાજયભરમાં મૌન રેલી કરી કલેકટરને રજૂઆત કરી છે. શહેરમાં TRP કાંડ બાદ પ્લાન અને કમ્પલીશનની પ્રક્રિયા તદન બંધ જેવી છે. અલગ-અલગ 11 પરીપત્ર કરવામાં આવ્યાં છે. મનપા અને રૂડા દ્વારા પ્લાન કમ્પીલીશન, NOC સહિતની પ્રક્રિયા ધીમી કા બંધ જેવી છે તે ઝડપી કરવી જોઇએ. 30 દિવસમાં પ્લાન મંજૂર કરી અને 30 દિવસમાં કમ્પલીશન આપવાની પ્રક્રિયા કરવી જોઇએ. હાલ કોર્પોરેશનમાં નેગેટીવ અધિકારી વધારે છે જે અમને હેરાન કરી રહયા છે જેથી ટાઉન પ્લાનર અધિકારી પોઝિટીવ મૂકો અને પોઝિટીવ અધિકારી અન્યને શિખવાડી અધિકારીઓ પાસેથી પોઝિટીવ કામ લઇ શકે. સરકારના સૂચિત્ર જંત્રી દરથી લોકોને 20 થી 30 ટકા પોતાનુ સપનાનુ ઘર મોંઘુ પડશે. 6 ટકા સ્ટેમ્પ ડયુટી સામાન્ય લોકોની કમર તોડી નાખશે. સરકારે આ અંગે તાકિદે વિચારી યોગ્ય નિરાકરણ લાવવું જોઇએ.

પરેશભાઇ ગજેરા, પ્રમુખ
રાજકોટ બિલ્ડર એશોસિએશન

રાજકોટમાં સૂચિત જંત્રી બાબતે 150થી વધુ અરજી, કમિટી બનાવાશે
જંત્રીની વિસંગતતા બાબતે જે રજૂઆતો મળી છે. તેને સરકારે ધ્યાને રાખી ઓનલાઇન પોર્ટમાં વાંધા સુચનો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 150 થી વધારે વાંધાની અરજીઓ આવી છે અને તેની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. લોકોની માંગને જોતા હવે ઓફલાઇન વાંધા અરજી પણ સ્વીકારવાનુ ચાલુ કરી દેવામાં આવ્યુ છે. કલેકટર, ડેપ્યુટી કલેકટર અને મામલતદાર કચેરીમાં વાંધા રજૂ કરી શકાય છે આ દિશામા કલેકટરની એક કમિટી બનાવવામાં આવી છે જે અરજી આવે છે તેઓ અભ્યાસ કરી સરકારમાં રિપોર્ટ કરશે ઉપરાંત મનપામાં નવા કમિશનરની નિમણૂંક થઇ છે અને ચાર્જ સંભાળિ પોઝિટીવ કામગીરી કરશે.
પ્રભવ જોશી, કલેકટર - રાજકોટ

બિલ્ડર એસો.ની મુખ્ય માગણીઓ

ઓફલાઇન હેતુફેર, રીવાઇઝ પ્લાન બીનખેતી, વિગેરે કાર્યવાહીની મંજુરીમાં ઓછામાં ઓછો 6-માસનો સમય લાગે છે તે બાબતે ઝડપી ઉકેલ થઇ શકે તેવા પગલા લેવા.

ઓફલાઈન હેતુફેર, રીવાઈઝ પ્લાન બીનખેતી, વિગેરે કાર્યવાહીમાં સક્ષમ મામલતદાર, નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર, લોકલ ઓથોરીટી (RMC, રૂડા), નગર નિયોજક, વિગેરેના તમામના અભિપ્રાય અર્થે બીનજરૂૂરી મોકલવામાં આવે છે. જેથી પ્રક્રિયાઓ લંબાઈ છે અને ખર્ચાળ બને છે. જેથી માત્ર જરૂૂરી અભિપ્રાય અર્થે જ સમક્ષ કચેરીએ મોકલવા બાબતે વિચારણા કરી ફેરફાર કરવો.

ઓનલાઈન બિનખેતી પ્રક્રિયામાં PSO ગાંધીનગર તરફથી કોઈ અભિપ્રાય લેવા જણાવેલ ન હોવા છતા અરજીના 30-35 દિવસ બાદ મામલતદાર, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર, લોકલ ઓથોરીટી (RMC, રૂડા), નગર નિયોજક, વિગેરેને ગુગલ મેપ, સ્થળે રોજકામ, ખેડુત ખરાઈ, ક્ષેત્રફળના મેળવણા, ઉતરોતર તબદીલી અંગે સ્ટેમ્પ ડયુટીની વસુલાત કરવા, ઝોનીંગ, કોર્ટ કેસ, IRCMS પોર્ટલ પર ચકાસણી, વિગેરે જેવી બાબતોએ પત્રો લખીને અભિપ્રાય મંગાવવામાં આવે છે જે કાર્યવાહીઓ બંધ કરવી.

નામ. સરકારના તારીખ 12/12/2018 ના રોજના પરિપત્ર મુજબ માત્ર રેકર્ડ આધારીત બિનખેતી કાર્યવાહી કરવા સુચન કરવામાં આવેલ હોવા છતા, માત્રને માત્ર રાજકોટ જીલ્લામાં બિનખેતી પ્રક્રિયામાં યેનકેન પ્રકારે અભિપ્રાયો અને કવેરીઓનો મારો ચલાવી લંબાવવમાં આવે છે જેમાં જરૂૂરી ફેરફાર અનિવાર્ય છે.

સરકારનો સૂચિત જંત્રી દર બિનજરૂરી છે, સાયન્ટિફિક નથી, બોજરૂપ કહી શકાય
રાજય સરકારે જે સૂચિત જંત્રી વધારો કરેલ છે તે બિનજરૂરી છે. સાયન્ટીફીક નથી અને ઘણો બધો વધારે છે. આની અસરના કારણે બાંધકામ ઉદ્યોગને તકલીફ પડે તેમ છે. અને સામાન્ય માણસને પણ તકલીફ પડે તેમ છે. તો સરકાર સૂચિત જંત્રી વધારો પાછો ખેંચી લ્યે તો સામાન્ય લોકોને ફાયદો થશે અને લોકોને પોતાના સપનાનુ ઘરનુ ‘સપનુ’ સાકાર થશે. આમ છતા રિવિઝન વિચારી યોગ્ય વધારો કરે તો યોગ્ય છે. અત્યારે કરેલો અસહય વધારો બાંધકામ ઉદ્યોગ સહન કરી શકે તેમ નથી. સૂચિત વધારો વહેલી તકે પરત ખેંચવો આવશ્યક છે.
પરેશભાઇ પારેખ - અગ્રણી બિલ્ડર

Advertisement
Tags :
Advertisement
Advertisement