બિલ્ડર દિલીપ લાડાણી સાચા છે: મ્યુનિ. કમિશનર
લાડાણી એસોસિએટનો પ્રોજેક્ટ યુનિ.ની જગ્યા પર નથી, ડી.એલ.આર. મુજબ દિવાલ છે ત્યાં યુનિ. હદ પૂરી થાય છે મ્યુનિ. કમિશનરે યુનિ.ને પત્ર પાઠવ્યો
શહેરમાં જમીન કૌભાંડો થતાં હોવાનું રોજે રોજ બહાર આવતું હોય છે. જેમાં તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન ઉપર લાડાણી એસોસીએટ દ્વારા કબ્જો જમાવી બિલ્ડીંગ તૈયાર કરી નાખ્યાની ફરિયાદ યુનિવર્સિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી. અને આ જમીનના કૌભાંડિયાઓને ખુલ્લા પાડવાનું કહેવામાં આવેલ પરંતુ આ ફરિયાદ ખોટી હોવાનું મ્યુનિસિપલ કમિશનરે સાબિત કરી યુનિવર્સિટીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, દિલીપ લાડાણી દ્વારા તૈયાર થયેલ પ્રોજેક્ટ યુનિવર્સિટીની જગ્યા પર નથી. ડીએલઆર મુજબ દિવાલ છે ત્યાં યુનિવર્સિટીની હદ પુરી થાય છે. છતાં તમારી પાસે કઈ પુરાવા હોય તો મોકલવામાં આવે તમ કહી બિલ્ડર દિલીપ લાડાણીને ક્લીનચીટ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન ઉપર બિલ્ડર દિલીપ લાડાણી દ્વારા કબ્જો કરી રહેણાકના બિલ્ડીંગ તૈયાર કરીલીધાના આક્ષેપ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યા હતાં. અને મ્યુનિસિપલ કમિશનર આ બાબતે તપાસ કરે તેમ જણાવ્યું હતું. જેના લીધે મ્યુનિસિપલ કમિશનરે આ મુદ્દે તટસ્થ તપાસ કરી આજરોજ જણાવેલ કે, ટીપી સ્કીમ નં. 16 રૈયા સર્વે નંબર રૈયા 318 અને મુંજકા 49ના ફાઈનલ પ્લોટ નંબર 1 થી 7 જમીન 1844 ચો.મી. ઉપર લાડાણી એસોસીએટ દ્વારા રહેણાકની ઈમારત બનાવી લેવામાં આવી છે. તે ગેરકાયદેસર હોવાનું યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ તપાસ કરતા માલુમ પડેલ કે, ડીએલઆર મુજબ તમામ જમીનની માપણી કરવામાં આવી છે. જેમાં બહાર આવ્યા મુજબ યુનિવર્સિટીની હદ પુરી થાય છે. અને તેમની દિવાલ છે.
ત્યાંથી દિલીપ લાડાણીની માલીકીની જમીનની હદ શરૂ થાય છે. અને આ જમીન ઉપર તેમને કાયદેસર રીતે પ્લાન મંજુર કરાવી પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. કુલ 409 એકરમાં યુનિવર્સિટીની જગ્યા આવેલ છે. તે પૈકી સર્વે નં. રૈયા 318 અને મુંજકા 49ના ફાઈનલ પોઈન્ટ 1થી 7 પૈકીની જમીનના માલીક દિલીપ લાડાણી હોવાનું સાબિત થાય છે. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પત્ર લખવામાં આવેલ કે, યુનિવર્સિટીની દિવાલ તોડીને તેમની જમીનમાં ઘુસપેટ કરીને કબ્જો જમાવી પ્રોજેક્ટ તૈયાર કરી નાખવામાં આવ્યો છે. પરંતુ તપાસમાં બહાર આવ્યા મુજબ આ પ્રકારની કોઈ કાર્યવાહી થઈ નથી. યુનિવર્સિટીની દિવાલ છે ત્યાર બાદ દિલીપ લાડાણીની માલીકીની જમીનની હદ શરૂ થાય છે. અને તેઓએ તેમની માલીકીની જમીન ઉપર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અને આ મુજબનો પત્ર યુનિવર્સિટીના વીસીને પાઠવવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવેલ કે, જમીન કૌભાંડોમાં દિલીપ લાડાણીની સંડોવણી હોવાનો પત્ર યુનિવર્સિટી દ્વારા લખવામાં આવ્યો હતો. જેની તટસ્થ તપાસ કરવામાં આવી છે. દીલીપ લાડાણી દ્વારા આ જમીન ઉપર બાંધેલ પ્રોજેક્ટના તમામ પ્લાનની ચકાસણી તેમજ બીએલઆર મુજબ માપણી કરવામાં આવતા યુનિવર્સિટીની એક ચો.ફૂટ જગ્યા પણ દિલીપ લાડાણીના પ્રોજેક્ટમાં આવતી નથી તેમ જાણવા મળેલ છે. છતાં જમીન ઉપર કબ્જો દિલીપ લાડાણી દ્વારા કરવામાં આવ્યો હોય તો તેના આધાર પુરાવા યુનિવર્સિટી રજૂ કરી શકે છે. તેમ જણાવ્યું હતું.
આ મુદ્દો ચગાવ્યો કોણે ? અને કોનું હિત
યુનિવર્સિટીની હદ પુરી થાય છે ત્યાંથી દિલીપ એસોસીએટની જમીનની હદ શરૂ થઈ રહી છે તે અને આ જમીન ઉપર તૈયાર થયેલ પ્રોજેક્ટ કાયદેસર છે તેવી ક્લિનચીટ મ્યુનિસિપલ કમિશનરે આપી આજે યુનિવર્સિટીના વીસીને પત્ર પાઠવ્યો છે. પરંતુ આ લગડી જેવી જગ્યા ઉપર કોની નજર હતી અને કૌભાંડ ન હોવા છતાં દિલીપ લાડાણીને સંડોવીને કૌભાંડ ઉભુ કરવામાં આવ્યું તેની તપાસ કરવાની જરૂર છે. અને આ કૌભાંડ ચગાવવા પાછળ કોનું હીત છુપાયેલું છે. તે પણ જાણવું જોઈએ તેવી ચર્ચા ઉઠી છે.