For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટવાસીઓ ઉપર 150 કરોડનો નવો કરબોજ સૂચવતું બજેટ રજૂ

11:17 AM Jan 31, 2025 IST | Bhumika
રાજકોટવાસીઓ ઉપર 150 કરોડનો નવો કરબોજ સૂચવતું બજેટ રજૂ

Advertisement

નવા ફાયર ટેક્સની કમ્મરતોડ એન્ટ્રી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને મિલકત વેરામાં પણ 25 ટકા સુધીનો વધારો

મહાનગરપાલિકાનું રૂા.3112.29 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરતા મ્યુનિ.કમિશનર

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાનું 2025-26નું બજેટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 150 કરોડના નવા કરબોજ સાથે રૂા. 3112.29 કરોડનું બજેટ સ્ટેન્ડીંગ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન અને મિલ્કતવેરામાં 25 ટકા સુધીનો વધારો સુચવવામાં આવ્યો છે. જ્યારે ફાયર ટેક્સની નવી એન્ટ્રી થતાં શહેરીજનો ઉપર વધુ કરબોજ નાખવામાં આવ્યું છે.

મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ બજેટની વિસ્તૃત વિગત પત્રકાર પરિષદમાં રજૂ કરતા જણાવ્યુ હતુ કે, રાજકોટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ મેળવી રહ્યું છે ત્યારે શહેરમાં મેટ્રો સીટી જેવી સુવિધા આપવી એ તંત્ર માટે પડકાર છે ત્યારે મ.ન.પા. આ પડકારને પહોંચી વળશે તેવી આશા દર્શાવી હતી. રાજકોટ મહાનગરપાલિકાની ભૂમિકા વધુ ને વધુ વ્યાપક બની રહી છે અને જવાબદારીઓમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરના સર્વસમાવેશી વિકાસના નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવાના પડકારને રાજકોટ મહાનગરપાલિકા પહોંચી વળશે તેવો મને વિશ્વાસ છે.

જાન્યુઆરી-2015 માં કોઠારિયા અને વાવડી ગામ રાજકોટમાં ભળતા શહેરનું ક્ષેત્રફળ વધીને 127.21 ચો.કી.મી. થયું હતું. આ પછી તા. 18-07-2020ના રોજ મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર (મનહરપુર-1 સહીત) રાજકોટમાં ભળ્યા અને રાજકોટનું ક્ષેત્રફળ વધીને 161.86 ચો.કી.મી. થયું છે. આમ શહેરની વસ્તી અને વિસ્તારોમાં થયેલ વધારાથી રાજકોટ મહાનગરપાલિકા પર વધુ જવાબદારીઓ આવી છે. શહેરીકરણના વધતા જતા વ્યાપને કારણે શહેરી વસ્તીને પાયાની મૂળભૂત સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ બનાવવાની જવાબદારી ઘણી મોટી છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા ક્રમબદ્ધ રીતે આગળ ધપી રહી છે. આગામ નાણાંકીય વર્ષ 2025-26ના બજેટમાં શહેરના નવા ભળેલા વિસ્તારોમાં આવશ્યકતા અનુસાર વિકાસના લાભો પહોંચતા થાય તે મુજબના આયોજનની સાથોસાથ જુના વિસ્તારોની સુખ સુવિધાઓ પણ જળવાઈ રહે અને તેમાં ક્રમશ: વધારો થતો રહે તે પ્રકારના આયોજનનો સમાવેશ કરાયો છે.

‘રંગીલા રાજકોટ’ની વિકાસ ગાથામાં અવનવા પ્રકરણો આલેખવા અને નાગરિકોની અપેક્ષાઓને સંતોષવા સતત હાથ ધરવામાં આવતા પ્રયાસોના ભાગરૂૂપે ભાવિ રોડમેપની આછેરી ઝલક પ્રસ્તુત કરતુ રાજકોટ મહાનગરપાલિકાનું આગામી નાણાંકીય વર્ષ 2025-26નું રૂૂ. 3112.29 કરોડનું બજેટ તૈયાર કર્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં રૂૂ. 300.00 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી. આ વર્ષે અત્યાર સુધીમાં 3.50 લાખથી કરદાતાઓએ પોતાનો વેરો ભરપાઇ કરી આપેલ છે. આ એક રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમા રેકોર્ડ છે. ચાલુ વર્ષે રૂૂ. 440 કરોડ ની આવક થવાની આશા છે. આગામી વર્ષ 2025-2026 માટે રૂ. 600 કરોડનો અંદાજ રાખવામાં આવેલ છે. ચાલુ વર્ષ દરમ્યાન અર્લી બર્ડ સ્કીમ હેઠળ એડવાન્સમાં વેરો. 2.3 લાખ આસામીઓએ કુલ રૂ. 200 કરોડથી વધુ ભરેલ છે. મહાનગરપાલિકામાં ચાલુ વર્ષે ટેક્ષ આકરણીમાં 70 હજારથી વધુ નવા કરદાતાઓનો ઉમેરો થયો હતો તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક લાખથી વધુ નિષ્ક્રિય કરદાતાઓ પાસેથી બાકી કર વસૂલાત કરીને સક્રિય કરવામાં આવેલ છે.

રિવાઈઝ બજેટ 2831.91 સૂચવાયું
મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક બજેટમાં જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. તે મુજબના કામો વર્ષ દરમિયાન થતાં ન હોવાથી રિવાઈઝ બજેટની રકમ અડધા બજેટ જેટલી હોય છે. ગત વર્ષે મોટુ રિવાઈઝ બજેટ ઉમેરાયા બાદ આ વખતના 3112.29 કરોડના વાર્ષિક બજેટમાં રૂા. 2831.91 રિવાઈઝ બજેટ સામેલ કરવામાં આવ્યું છે.

મિલકતવેરામાં કાર્પેટમાં વધારો
મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના આજે રજૂ થયેલા બજેટમાં શહેરીજનો ઉપર 150 કરોડનો નવો કરબોજ લાદવામાં આવ્યો છે. જેમાં ફરી વખત મિલ્કતવેરામાં 25 ટકા જેવો વધારો સુચવવામાં આવ્યો છે. હાલ રહેણાક માટે રૂા. 11 પ્રતિ ચો.મી. અને બિન રહેણાક માટે રૂા. 25 ચો.મી. છે તેના સ્થાને રહેણાકની મિલ્કતો માટે રૂા. 15 પ્રતિ ચો.મી કરતા બિન રહેમાક માટે રૂા. 30 પ્રતિ ચો.મી.નો વધારો સુચવવામાં આવ્યો છે. જેના લીધે મહાનગરપાલિકાને 40 કરોડની વધારાની આવક થવાની ધારણા છે.

ગાર્બેજ કલેક્શનમાં 400 ગણો વધારો
મહાનગરપાલિકાની ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સેવા પેટે હાલમાં રહેણાકની મિલ્કતોના રૂા. 365 તથા બિન હરેણાક મિલ્કતો માટે 1430 રૂપિયા વાર્ષિક ચાર્જ લેવામાં આવી રહ્યો છે. જેમાં 400 ટકા જેટલો વધારો ઝીંકી હવે રહેમાકની મિલ્કતો માટે 1460 તથા બિન રહેણાક મિલ્કતો માટે 2920 સુચવવામાં આવ્યા છે. જેનાથી મનપાને અંદાજીત રૂા. 55 કરોડની વધારાની આવક થશે.

કમ્મરતોડ ફાયર ટેક્સ ઝીંકાયો
મહાનગરપાલિકા દ્વારા આજે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ચાલુ કરવેરામાં વધારો સુચવવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુધી લેવામાં ન આવતા ફાયર ટેક્સની એન્ટ્રી કરવામાં આવી છે. બજેટમાં સુચવવામાં આવેલ દરખાસ્ત મુજબ રહેણાક મિલ્કતો માટે પ્રતિ ચો.મી. રૂા. 15 અને બિન રહેણાક મિલ્કતો માટે પ્રતિ ચો.મી. રૂા. 25 વસુલવામાં આવશે. જેના લીધો મનપાને રૂા. 55 કરોડની વધુ આવક થવાની સંભાવના જોવાઈ રહી છે.

બજેટમાં સૂચવેલા આવકના સ્ત્રોત
મનપાના નવા બજેટમાં કરબોજ સાથે મહાનગરપાલિકાની રેગ્યુલર આવકમાં પણ વધારો સુચવવામાં આવ્યો છે. ગત વર્ષે મિલ્કતવેરાનો ટારગેટ 410 કરોડ હતો. જેમાં વધારો કરી આ વખતે 600 કરોડ સુચવાયો છે. ત્યારે ગત વર્ષે જમીન વેચાણ થકી 600 કરોડની આવક ઉભી કરવાની હતી. જેમાં આ વર્ષે 740 કરોડ જમીન વેચાણના સુચવવામાં આવ્યા છે. તેવી જ રીતે એફએસઆઈ અને ટાઉન પ્લાનીંગ વિભાગની અન્ય આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. આ વખતે એફએસઆઈ તેમજ ટાઉન પ્લાનીંગની 240 કરોડની આવક અંદાજવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement