બજેટમાં ગરીબોને સબસિડી અને માલેતુજારોને રિબેટ આપ્યું, મધ્યમ વર્ગને ઠેંગો: કોંગે્રસ
કેન્દ્રની ભાજપ પ્રેરિત એનડીએ સરકારના નાણામંત્રીએ આજે રજૂ કરેલા દેશના વર્ષ 2024-2025ના બજેટ અંગે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણામંત્રીએ કેન્દ્ર સરકારની ખુરશી બચાવતું બજેટ રજૂ કર્યું છે, ખાસ કરીને ગુજરાત સહિતના રાજ્યોના ભોગે સરકારને ટેકો આપનાર સાથી પક્ષોની ખુશામત કરી છે. બિહારને 57,000 કરોડથી વધુ રકમ અને આંધ્રપ્રદેશના 15,000 કરોડથી વધુ રકમ ફાળવીને બજેટમાં ગુજરાત સહિત દેશના રાજ્યોને નિરાશ કર્યા છે.
વધુમાં અતુલ રાજાણીએ કેન્દ્રીય બજેટની જોગવાઈઓ વિશે જણાવ્યું છે કે અનાજ, કરિયાણું, તેલ, ખાદ્ય પદાર્થો જેવી જીવનજરૂૂરી ચીજ વસ્તુઓ સસ્તી કરવાને બદલે સોનું સસ્તું કર્યું છે ! ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગના બદલે સોનું ખરીદતા માલેતુજારોને બજેટમાં ફાયદો આપ્યો છે. અતુલ રાજાણીએ બજેટની ભારોભાર ટીકા કરતા ઉમેર્યું છે કે આપબળે વિકસેલા રાજકોટના ઓઇલ એન્જિન ઉદ્યોગ, ઓટોપાર્ટ્સ ઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે પણ બજેટમાં કંઇ આશાસ્પદ નથી, જ્યારે પીવીસી અને પ્લાસ્ટિક ઉપર ડ્યુટી વધારી મોંઘુદાટ કરતા કિચનવેર ઇન્ડસ્ટ્રીને ફટકો પડશે. એમએસએમઇ (માઇક્રો, સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝીસ)ને થોડીક રાહતો આપી છે તે પણ ચોક્કસ પરિપ્રેક્ષ્ય સાથેની છે જેથી દરેક ઉદ્યોગને તેનો લાભ મળવાપાત્ર નથી.
ગરીબોને અમુક બાબતોમાં સામાન્ય સબસિડી અને માલેતુજારોને રિબેટ આપ્યું છે પરંતુ મધ્યમ વર્ગને તો ઠેંગો જ આપ્યો છે તેમ જણાવી અતુલ રાજાણીએ ઉમેર્યું છે કે ઇન્કમટેકસમાં પણ અપેક્ષા મુજબની ખાસ કોઇ રાહત નહીં આપતા કરદાતાઓ નિરાશ થયા છે. ખાસ કરીને નાના વેપારીઓ, ઉધોગકારો તેમજ નોકરિયાતોને કંઇ નહીં આપી મજાક કરી છે તે ટીકાપાત્ર છે.દેશમાં ઉચ્ચ શિક્ષણ બેફામ મોંઘુ કર્યા પછી હવે એજ્યુકેશન લોન સસ્તી કરીને કેન્દ્ર સરકારએ દેવું કરીને શિક્ષણ મેળવવાની સવલત આપી ઘા ઉપર મલમપટ્ટી કરવાની કોશિષ કરી છે. ઉચ્ચ અભ્યાસની તોતિંગ ફી, પુસ્તકો, યુનિફોર્મ અને સ્ટેશનરીના મોંઘાદાટ ભાવ ઘટાડવા બજેટમાં કંઇ સુચવ્યું નથી તે નોંધનીય છે.