BU પરમિશન વગર ધમધમતી શાળા ઝડપાઈ: મંજૂરી શંકાના દાયરામાં
દોઢ વર્ષ પહેલાં તોડવાની નોટિસ અપાઈ પણ તોડવાની ફાઈલ અભેરાઈએ ચડાવી દીધી, હવે ફરી નોટિસ અપાઈ
ટીઆરપી ગેમઝોન બાદ ગેરકાયદેસર બાંધકામો તેમજ ફાયર એનઓસી અંગે સખત વલણ અપાવી તંત્રએ અનેક જાતના પગલાઓ લીધા છે. છતાં તંત્ર અને લોકો પણ હજુ સુધરવા માંગતા ન હોય તેમ હજારો વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરી રહ્યાનું ફરી એક વખત બહાર આવ્યું છે. વોર્ડ નં. 11માં 40 ફૂટના રોડ ઉપર આવેલ જયકિશન સ્કૂલ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી બીયુ વગર સ્કૂલ ચાલુ કરી દીધાબાદ દોઢ વર્ષે મનપાએ ઝપટમાં આવી છે. અને આ સ્કૂલ ચલાવવા માટે મંજુરી શિક્ષણ વિભાગે કઈ રીતે આપી તેમજ ગેરકાયદેસર બાંધકામનું આજ સુધી ડિમોલેશન કેમ ન થયું તે સહિતના સવાલો ઉઠ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા અગ્નિકાંડ બાદ બાંધકામ પરણીશન અને ફાયર એનઓસી મુદ્દે કડક કાર્યવાહી કરી છે. છતાં અગાઉના વખતમાં થઈ ગયેલા ભ્રષ્ટાચારના પાપનો ઘડો આજે પણ છલકાઈ રહ્યો છે. વોર્ડ નં. 11માં 40 ફૂટના રોડ ઉપર આવેલ લાભદીપ સોસાયટીની બાજુમાં શ્રીહરીચોક પાસે શેરી નં. 16માં આવેલ જયકિસન સ્કૂલનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું આજરોજ ખુલતા ટાઉન પ્લાનીંગ વિભાગે આ બાંધકામનું નળ જોડાણ અને વીજ જોડાણ કાપવાની નોટીસ તૈયાર કરી કાર્યવાહી આરંભી છે. તેવી જ રીતે સુચીત જગ્યા ઉપર બની ગયેલ આ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા મંજુરી કેવી રીતે આપવામાં આવી તેવા સવાલો ઉઠતા આજે બપોરે આ લખાય છે ત્યારે શિક્ષણ વિભાગની એક ટીમ સ્કૂલ ખાતે તપાસ અર્થે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ આ સુચિત પ્લોટ ઉપર દોઢ વર્ષ પહેલા બાંધકામ થયેલ અને તે સમયે 260/2ની નોટીસ આપવામાં આવેલ ત્યાર બાદ અગમ્ય કારણસર આ પ્રકરણ ઉપર પડદો પડી ગયો હતો. અને આજ સુધી આ સ્કૂલ ધમધમતી હતી. જેનો આજે પડદાફાશ થયો છે. આ સ્કૂલમાં અંદાજે 600થી વધુ બાળકો અભ્યાસ કરતા હોવાથી બાંધકામ પરમીશન વગરની આ સ્કૂલમાં ફાયર એર્નેઓસી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાશે છતાં આજ સુધી આ બાળકો રામભરોશે ભણતા હતાં તેવું બહાર આવ્યું છે.
ટીપી વિભાગ દ્વારા આ સ્કૂલને દોઢ વર્ષ પહેલા ગેરકાયદેસર બાંધકામ અંતર્ગત નોટીસ આપી હતી. છતાં આજ સુધી કાર્યવાહી ન થતાં લાગવગની જોરે આ બાંધકામ આજ સુધી અડીખમ રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. છતાં ગેરકાયદેસર બાંધકામ થયા બાદ શિક્ષણ વિભાગ પાસે મંજુરી કઈ રીતે મેળવવામાં આવી તે પણ તપાસનો વિષય બન્યો છે. હાલ ટીપી વિભાગ દ્વારા રેલો આવતા તાત્કાલીક ધોરણે પગલા લેવાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આ ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન થશે કે કેમ તે અંગે ટાઉન પ્લાનીંગ વિભાગે હાલ હોઠ સીવી લીધા છે. છતાં આ પ્રકરણની સંપૂર્ણ તપાસ કર્યા બાદ પગલા લેવામાં આવશે. તેમ ટાઉન પ્લાનીંગ વિભાગે જણાવ્યું છે.
હપ્તાખોરીનું પાપ છાપરે ચડી પોકાયુર્ં
મવડી વિસ્તારમાં જયકિશન સ્કૂલનું બાંધકામ સુચિતમાં થઈ ગયાનું બહાર આવ્યું છે. અને શિક્ષણ વિભાગ દ્વારા પણ સ્કૂલને મંજુરી અપાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ટીપી વિભાગે આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે દોઢ વર્ષ પહેલા નોટીસ આપી હતી. પરંતુ આજ સુધી કાર્યવાહી થઈ નથી. તેની પાછળનું કારણ અમુક લેભાગુઓ દ્વારા સ્કૂલ સંચાલકો પાસેથી હપ્તા લઈ આજ સુધી ગાડુ ગબડાવવામાં આવ્યું હતું અને હવે હપ્તા બાબતે ડખ્ખો ઉભો થતાં આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. તેવી ચર્ચા જાગી છે.