જામનગરમાં નીલકંઠ પાર્કમાં સગી બહેન પર ભાઇનો હુમલો
જામનગરમાં ભાઈ-બહેન વચ્ચેના ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે, અને નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા એક ભાઈએ પોતાની સગી બહેન ઉપર હુમલો કરી દીધાનું સામે આવ્યું છે. આર્થિક મૂંઝવણ સમયે ઉપયોગમાં આવેલી બહેન કે જેણે પોતાના દાગીના આપ્યા હતા, તે પરત નહીં આપી પોતાના ભાઈએ મૂઢ માર માર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ જામનગરની વતની અને હાલ ખંભાળિયા તાલુકાના સીમાણી કારાવડ ગામમાં પરણેલી કૌશલ્યાબા જયરાજસિંહ જાડેજાએ પોતાના જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા ભાઈ મહાવીરસિંહ નરેન્દ્રસિંહ સરવૈયા સામે હુમલા ની ફરિયાદ નોંધાવી છે. જે મહિલા હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કૌશલ્યાબા ના ભાઈ મહાવીરસિંહ કે જેને આર્થિક સંકળામણ હોવાથી પોતાની બહેન પાસે સોનાના દાગીના મેળવ્યા હતા, જે પરત મેળવવા માટે આવેલી બહેન સાથે ગઈકાલે ઝઘડો થતાં ભાઈ દ્વારા હુમલો કરી દેવાયો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલી બહેન હાલ જીજી હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે. આ બનાવ સંદર્ભે પોલીસને જાણ થતાં સીટી સી. ડિવિઝનના એએસઆઈ ફિરોજભાઈ દલ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને કૌશલ્યાબા ની ફરિયાદના આધારે તેના જ ભાઈ મહાવીરસિંહ નરેન્દ્રસિંહ સરવૈયા સામે હુમલા અંગે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.