શાપરમાં પ્રેમ લગ્ન બાદ પરિવારે ફોન પર વાત નહીં કરતાં નવોઢાએ એસિડ પી લીધું
મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ શાપર વેરાવળમાં રહેતી નવોઢાએ પ્રેમ લગ્ન કર્યા હતાં. જેના કારણે પરિવારે ફોન પર વાત નહીં કરતાં નવોઢાને માઠુ લાગી આવતાં એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં રહેતી સુશિલાબેન ઓમ પ્રકાશભાઈ ચૌહાણ નામની 25 વર્ષની પરિણીતા સાંજના સમયે પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સુશીલાબેન મુળ ઉત્તરપ્રદેશની વતની છે અને છ માસ પહેલા ઓમ પ્રકાશ ચૌહાણ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં.
સુશિલાબેન ચૌહાણને હાલ બે માસનો ગર્ભ છે. પ્રેમ લગ્ન બાદ પરિવારે ફોન ઉપર વાત નહીં કરતાં એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત બીજા બનાવમાં શાપરમાં આવેલ આદર્શ વિહાર સોસાયટીમાં રહેતા શિવપ્રકાશ રાજારામ પ્રજાપતિ નામના 32 વર્ષના યુવકને નજીવા પ્રશ્ર્ને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. જેથી શિવ પ્રકાશ પ્રજાપતિને માઠુ લાગતાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
