ઈગ્લિંશના લેકચરથી કંટાળી કોલેજિયન યુવાને હોસ્ટેલમાં જ ફિનાઈલ પીધું
મુળ સુરેન્દ્રનગર પંથકના મીઠાકોટા ગામના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટીની સરકારી હોસ્ટેલમાં રહી ફાર્મસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતાં કોલેજીયન યુવાને ઈંગ્લીસના લેકચરથી કંટાળી હોસ્ટેલમાં જ ફીનાઈલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રાજકોટમાં યુનિવર્સિટીની સરકારી હોસ્ટેલમાં રહેતાં નિતેશકુમાર કાંતિભાઈ મકવાણા નામનો 18 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં હોસ્ટેલમાં હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું.
યુવકની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં નિતેશકુમાર મકવાણા મુળ સુરેન્દ્રનગરના મીઠાકોટા ગામનો વતની છે અને બે ભાઈ બે બહેનમાં નાનો છે. નિતેશકુમાર મકવાણા હાલ યુનિવર્સિટીની સરકારી હોસ્ટેલમાં રહી જે.કે.કામદાર કોલેજમાં ફાર્મસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ઈંગ્લીસના લેકચરથી કંટાળો આવતો હોવાથી ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
