જેલમાંથી બુટલેગરે ધારાસભ્યને પત્ર લખી દારૂનો હિસાબ માંગ્યો
ઉનાના ધારાસભ્યને લખેલા પત્રથી વિવાદ, જૂનાગઢ જેલ તંત્ર શકના દાયરામાં
જૂનાગઢ ખાતેની જેલમાં બંધ એક બુટલેગરે ઉનાના ધારાસભ્યને લખેલો પત્ર વાયરલ થયો છે. આ પત્ર વાયરલ થતાં ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉનાના ધારાસભ્ય કે.સી. રાઠોડના નામે બુટલેગર દ્વારા લખાયેલો પત્ર હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં દારૂૂના ધંધાનો બાકી હિસાબ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જેલમાંથી 10 સપ્ટેમ્બરે લખાયેલો આ પત્ર હાલમાં વાયરલ થયો છે. જેમાં ભગા ઉકા જાદવ નામના બુટલેગરે ધારાસભ્ય કે.સી. રાઠોડ દારૂૂના ધંધામાં ભાગીદાર હોવાનો આક્ષેપ કર્યો છે. આ લેટરમાં દારૂૂના ધંધાનો બાકી હિસાબ આપવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીના 29 લાખ રૂૂપિયાનો હિસાબ સમજવાનો બાકી હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે.
આ પત્રમાં બુટલેગરે દમણથી દરિયાઈ માર્ગે કૂલ 13 વખત દારૂૂની હેરાફેરી થઈ હતી. જેમાં ઉનાના સિમર બંદર, સૈયદ રાજપરા બંદર અને અન્ય દરિયાઈ માર્ગોનો ઉપયોગ થતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત થોડા મહિના પહેલા ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામે થયેલી રેડને લઈને પણ પત્રમાં બુટલેગરે ઉલ્લેખ કર્યો હતો. ગીર સોમનાથ એલસીબીના સુભાષ નામના વ્યક્તિએ રેડ પહેલા જ ફોન કરીને માહિતી આપી હતી. જેના કારણે રેડમાં મોટો સ્ટોક હાથ લાગ્યો નહોતો.
આ પત્ર અંગે જેલના જેલર દિપક ગોહિલે જણાવ્યું હતું કે, આ પત્ર બે ત્રણ મહિના પહેલા લખાયો હોઈ શકે છે. આ પત્ર જેલની બહાર કેવી રીતે ગયો તેની તપાસ શરૂૂ કરવામાં આવી છે. કોણે લખ્યો અને કેવી રીતે બહાર ગયો તે દિશામાં તપાસ શરૂૂ કરાઈ છે. આ તપાસ સંદર્ભે અમે તેનો રીપોર્ટ અમારી વડી કચેરીને મોકલી આપીશું. હાલમા આ પત્રને લઈને કામગીરી શરૂૂ કરવામાં આવી છે.
ધારાસભ્ય રાઠોડે પોતાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું
આ વાયરલ થયેલા પત્ર બાદ રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય કે.સી. રાઠોડે પત્રકાર પરિષદ યોજીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે આ પત્રને ખોટો ગણાવી કહ્યું હતું કે, આ પત્ર લખનાર બુટલેગર પર અનેક ગુનાઓ દાખલ થયા છે. ભૂતકાળમાં પણ તેણે જેલર વાળા ફોનથી મને વોટ્સએપ કોલ કર્યા હતાં. જે સંદર્ભે મેં ગૃહ વિભાગને રજૂઆત કરી હતી અને જેલરની બદલી પણ કરવામાં આવી હતી. તેમણે તત્કાલિન જેલર વાળાએ આ ષડયંત્ર રચ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત રસિક જીણા પર જેલમાં અસામાજિક પ્રવૃત્તિઓનો પણ આરોપ લગાવ્યો હતો.