પ્રેમ સંબંધ ટૂંકાવી નાખતા બૂટલેગરે ત્રાસ ગુજાર્યો; ફરિયાદ નહીં લેતા ત્યકતએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફિનાઇલ પીધું
શહેરમા આપઘાત અને આત્મહત્યાની ઘટનાઓમા ઉછાળો આવ્યો હોય તેમ અવાર નવાર પોલીસ ચોપડે ઘટનાઓ નોંધાઇ રહી છે ત્યારે વધુ એક બનાવમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા ભારતીનગરમા રહેતી ત્યકતાને ફેસબુક મારફતે યુવક સાથે પ્રેમ થયો હતો. એક વર્ષનાં પ્રેમ સબંધમા પ્રેમીનાં ગોરખધંધાની જાણ થતા ત્યકતાએ પ્રેમસબંધ ટુકાવી લીધો હતો. બુટલેગર પ્રેમી ત્રાસ આપતો હોવાની ગાંધીગ્રામ પોલીસે ફરીયાદ લેતી નહી હોવાના આક્ષેપ સાથે ત્યકતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમા ફીનાઇલ પી લીધુ હતુ. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાય હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા ભારતીનગરમા રહેતી 30 વર્ષની યુવતી બપોરનાં અઢી વાગ્યાનાં અરસામા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે હતી ત્યારે ફીનાઇલ ગટગટાવી લીધુ હતુ. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. આ અંગે તબીબ દ્વારા સિવીલ હોસ્પીટલ ચોકી ખાતે એમએલસી નોંધ દાખલ કરવામા આવી હતી.
આ અંગે પ્રાથમીક પુછપરછમા ગાંધીગ્રામ પોલીસ મથકમા આપઘાતનો પ્રયાસ કરનાર 30 વર્ષીય યુવતીનાં અગાઉ લગ્ન થયા હતા અને બાદમા છુટાછેડા થઇ ગયા હતા. યુવતી ફેસબુક મારફતે હિતેશ પાટડીયાના સંપર્કમા આવી હતી બાદમા બંને વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમ પાંગર્યો છે. પ્રેમી હિતેશ પાટડીયા બુટલેગર હોવાની યુવતીને જાણ થતા યુવતીએ પ્રેમસબંધ ટુકાવી નાખ્યો હતો. પરંતુ પ્રેમી હિતેષ પાટડીયા મારકુટ અને તોડફોડ કરી ત્રાસ ગુજારતો હોવાની યુવતીએ પોલીસમા અરજી આપી હતી.
તેમ છતા હિતેષ પાટડીયા વિરુધ્ધ કાર્યવાહી નહી થતા અને પોલીસ ફરીયાદ નહી નોંધતી હોવાના આક્ષેપ સાથે યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમા ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.