લંડનથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા, રાહુલ-સોનિયા ગાંધીના વિમાનને થયો વિલંબ
છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે અમદાવાદ એરિપોર્ટ પર લંડનથી આવતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.અમદાવાદ આવેલી ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકીભર્યો લેટર મળ્યો. ફ્લાઈટના ટોયલેટમાંથી લેટર મળતા ખળભળાટ મચ્યો છે. આ ધમકીના કારણે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. આટલું જ નહીં ધમકીના કારણે અન્ય વિમાનો પર પણ તેની અસર થઈ હતી.
ફ્લાઈટને 2 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાનો પત્રમાં ઉલ્લેખ હતો. બોમ્બ સ્કવોડ અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લાઈટમાં ચેકિંગ કરાયું. કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ પ્લેનમાંથી મળી નહીં. ધમકી માત્ર એક અફવા જ હોવાનું સામે આવ્યું. એરપોર્ટ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી. આ અફવા કોણે ફેલાવી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
ફ્લાઇટમાં બોમ્બની અફવાના કારણે જ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવામાં વિલંબ થયો હતો. એરપોર્ટ પર લંડનવાળી ફ્લાઇટનું ચેકિંગ સમાપ્ત થયું તે બાદ જ રાહુલ ગાંધીના ચાર્ટર્ડ પ્લેનને અમદાવાદમાં ઊતરવાની મંજૂરી આપવામાં આવી હતી.