ધોરાજીના ફરેણી ગામે ત્રણ દિવસથી ગુમ યુવકની લાશ મળી, હત્યાની આશંકા
ધોરાજીના ફેરણી ગામે ત્રણ દિવસ પૂર્વે ગુમ થયેલા યુવકની પરબડી નજીક પાણીના ભુંગરામાંથી લાશ મળી આવી હતી. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સીવીલ હોસ્પીટલે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
ધોરાજીના ફેરણી અને નાની પરબડી વચ્ચે આવેલા ધાબી વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલા મયુરભાઈ નામના યુવકની લાશ આજે ભૂગરામાંથી મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના પાછળ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે મામલો ગંભીર બન્યો છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હત્યાની શંકાને જોતાં, પોલીસ દ્વારા મૃતદેહને વધુ ફોરેન્સિક તપાસ માટે રાજકોટ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી મૃત્યુના સાચા કારણની પુષ્ટિ થઈ શકે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને હત્યાની આશંકાના સંદર્ભમાં તમામ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
