લોઠડા ગામેથી વતનમાં જવાનું કહી નીકળેલા યુવાનની નદી કાંઠેથી મૃતદેહ મળી આવ્યો
મુળ દાહોદના ફેતહપુરાના વતની અને હાલ પરિવાર સાથે લોઠડા ગામે કારખાનાની અરોડીમાં રહેતા થાવલાભાઇ લાલસિંગભાઇ બરજાંડ (ઉ.વ.39)નામનો યુવાન બે દિવસ પહેલા વતનમાં જવાનુ કહી ઘરેથી નીકળી ગયો હતો. તેના દિકરાએ વતનમાં જવા રૂપિયા એક હજાર આપ્યા હતા. તેમની પાસે ફોન ન હતો જેથી બીજા દિવસે પુત્રએ વતનમાં ફોન કરી પિતા પહોંચ્યા કે નહી તે અંગે પુછપરછ કરતા તેના પિતા વતનમાં આવ્યા ન હોવાનુ જાણવા મળતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે લોઠડા ગામની નદી પાસેથી અજાણયા યુવાનનુ મૃતદેહ મળી આવતા આજીડેમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. બીજી તરફ થાવલાભાઇના પરિવારજનો પણ દોડી આવતા તેઓએ મૃતદેહ જોઇ તેમના પિતા હોવાનુ જણાવ્યુ હતુ. આ અંગે આજીડેમ પોલીસ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. ફેફસાની બીમારીથી મૃત્યુ થયાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી શ્રમિક પરિવારમાં ગમગની છવાઇ જવા પામી હતી.