ભગવતીપરા રેલવે બ્રિજ નીચે નદીમાંથી યુવાનની લાશ મળી: ડૂબી જવાથી મોત
શહેરના ભગવતીપરા રેલવે બ્રીજ નીચેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. પીએમ રિપોર્ટમાં મૃતક યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યાનું ખુલવા પામ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા રેલવે પુલ નીચે આજી નદીના પટમાં અજાણ્યો યુવાન (ઉ.આ.35)ની લાશ પડી હોવાનું જાણ થતાં સ્થાનિક લોકો એકઠા થયા હતાં. બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવતાં બી-ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ જયપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકના બન્ને હાથ ઉપર સુરજદાદા, નાગદાદા, કિશન ત્રોફાવેલું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જો કોઈ વાલી વારસ હોય તો બી ડીવીઝન પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે. મૃતદેહનો પીએમ કરવામાં આવતાં યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાનો તબીબો દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે. મૃતક કંઈ રીતે ડૂબી ગયો તે તેની ઓળખ મળ્યા બાદ જ બહાર આવશે. હાલ પોલીસે ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.