6 દિવસથી લાપતા ગોંડલના યુવાનની લોહીથી લથપથ લાશ મળી
બહેન તથા બનેવીએ હત્યાનો આક્ષેપ કરતાં રી-પોસ્ટમોર્ટમ કરાયું: પોલીસે અજાણ્યા વાહનની ઠોકરે મોત થયા અંગેનો ગુનો નોંધ્યો
મૃતકના પિતાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે માર માર્યાના આક્ષેપ સાથેની એસપીને અરજી કરી હતી
ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે સપ્તાહ પૂર્વે મારકૂટ કરાયા બાદ પાઉભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હોવાના ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ સ્થાનિક પોલીસે નહીં લેતા એસ.પી.ને ફરિયાદ કરવામાં આવી હતી.
જેના પગલે તપાસ શરૂૂ થઇ અને હવે યુવાન લાપત્તા બનવાના પોસ્ટર સ્થાનિક પોલીસે જ લગાવ્યા, ત્યાં જ રાજકોટના કુવાડવા પાસે તરઘડિયા નજીક વાહન અડફેટે આવીને મૃત્યુ પામનાર અજાણ્યા યુવકની ઓળખ ગોંડલના જ લાપત્તા યુવાન તરીકે થતાં ચકચાર મચી જવા પામી છે.આ મામલે મૃતકના બનેવીએ પોલિસમાં અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને મૃતકના બહેને હત્યાનો આક્ષેપ કર્યો હતો.
જેથી આજે મૃતક યુવાનનું રી પીએમ કરવામાં આવશે.વધુ વિગતો અનુસાર,ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે રાજકોટ જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરીને આક્ષેપ કર્યા છે કે, ગત તા.2 માર્ચે પોતાના પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા ત્યારે અટકાવીને પુત્ર તથા 8-10 માણસોએ બેફામ માર માર્યો હતો. બાદમાં પિતા-પુત્ર બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પણ પછી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે પિતા રતનલાલ જાટે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરી પણ કોઈ ફરિયાદ નહીં લેતાં બે દિવસ પુત્રની શોધખોળ કર્યા બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી.
જેના આધારે તપાસની સૂચના આપતા લાપત્તા યુવકના પોસ્ટર લગાવીને શોધખોળ આરંભી હતી.આ દરમિયાન રાજકોટના કુવાડવા પોલીસને ત્રણ દિવસ પહેલા કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દીશામાં તપાસ શરૂૂ કરી હતી.જેમાં ગોંડલના ગુમ યુવકના પિતા રતનલાલ જાટને પોલીસે રાજકોટ બોલાવીને કોલ્ડરૂૂમમાં રાખવામાં આવેલો મૃતદેહ દેખાડતા એ પોતાના પુત્ર રાજકુમાર (ઉં.22)નો જ હોવાનું ઓળખી બતાવ્યું હતું.આ સાથે અજાણ્યા વાહન અડફેટે મોત થયાની કૂવાડવા પોલીસ સ્ટેશનમાં બનેવીએ ફરિયાદ પણ કરાવી હતી.
પોલીસ સુત્રોએ જણાવ્યું કે,ગત તા.3ના રોજ મધરાત્રે 3 વાગ્યે ચોટીલાથી એક દર્દીને રાજકોટ મુકવા આવેલી 108 એમ્બ્યુલન્સની ટીમ પરત જતી હતી ત્યારે કૂવાડવા નજીક રોડ પર કોઈ વાહનની ઠોકર લાગવાથી ઈજા પામેલી હાલતમાં યુવાન મળી આવતા તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા.જ્યાં એકાદ કલાકની સારવાર બાદ તેનું મોત થતાં અજાણ્યા મૃતદેહને કોલ્ડરૂૂમમાં રાખવામાં આવ્યો હતો.જેનું મોસ્ટમોર્ટમ કરાયું હતું પણ હજુ રીપોર્ટ આવ્યો નથી.ત્યાં મૃતકની ઓળખ થઈ જતા અને બનાવ શંકાસ્પદ અને પરિવારનો હત્યાનો આક્ષેપ હોવાથી આજે ફરી તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
ગર્વમેન્ટ નોકરીની તૈયારી કરતા યુવકને પૂર્વ ધારાસભ્યના બંગલે માર માર્યાની અરજી કરી છતાં પોલીસે તપાસની તસ્દી ન લીધી !
ગોંડલમા રહેતા મુળ રાજસ્થાનનાં યુવાનને ગઇ તા 2 માર્ચનાં રોજ પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં બંગલે દશેક શખ્સોએ બેફામ માર માર્યો હતો. આ ઘટના બાદ મૃતક રાજકુમાર જાટનાં પિતાએ એસ.પી.ને અરજી આપી હતી જેમા તેઓએ જણાવ્યુ હતુ કે તેમનાં પુત્ર રાજકુમારને બંગલામા લઇ જઇ માર માર્યો હતો. આમ છતા રાજકોટ રૂરલનાં નવનિયુકત એસ.પી. હિમકરસિંહ અને તેમની ટીમે આ અરજી ધ્યાને આવી છતા સામા પક્ષે ભાજપનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હોવાથી પોલીસે ત્યા મૌન સેવી લીધુ હતુ અને આ અરજીની તપાસ કરવાનુ માંડી વાળ્યુ હતુ. હાલ મૃતકનાં પરીવારમા ચર્ચા થઇ રહી છે કે રૂરલ પોલીસે આ ઘટનામા થયેલી અરજીની સચોટ તપાસ કરી હોય તો મારો પુત્ર જીવતો હોત.
પોલીસ પાસે અકસ્માતની ઘટનાનાં ફૂટેજ નથી : પૂર્વ ધારાસભ્યનાં બંગલાનાં સીસીટીવી ફૂટેજ જાહેર કરાશે ?
ગોંડલનાં યુવાનની રાજકોટની ભાગોળે તરઘડીયા ગામ નજીક લાશ મળી આવી હતી આ ઘટનામા કુવાડવા પોલીસનાં સ્ટાફે અકસ્માત અંગેનો ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે. ત્યારે જે તે સમયે જયારે યુવાનની લાશ મળી આવી હતી ત્યારે પોલીસે કોઇ સીસીટીવી ફુટેજ મીડીયા સમક્ષ જાહેર કર્યા ન હતા અને યુવાનની ઓળખ કરવા પણ તસ્દી લીધી ન હતી ત્યારે હવે પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા બંગલે યુવાનને માર માર્યો હોવાનો આક્ષેપ થતા પોલીસે મીડીયા સમક્ષ તરઘડીયા પાસેથી યુવાન પસાર થતો હોય તેવા વીડીયો જાહેર કર્યા છે તેમજ આ મામલે એસીપીએ નિવેદન આપતા જણાવ્યુ છે કે ગુમ થનાર યુવાન તરઘડીયા આશ્રમે રોકાયો હતો અને ત્યારબાદ રાત્રીનાં ર વાગ્યે ત્યાથી નિકળી રસ્તા પર જતો હોય તેવા વિડીયો મળ્યા છે. આ મામલે મૃતકનાં પરીવારજનોએ પુર્વ ધારાસભ્ય જયરાજસિંહનાં બંગલે જે ઘટના ઘટી હતી એ બે માર્ચનાં દિવસનાં સીસીટીવી ફુટેજ જાહેર કરવા માંગ કરી છે .
રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલની CBI તપાસની માંગ
ગોંડલનાં જાટ યૂવાનનાં શંકાસ્પદ મૃત્યુનાં મામલે રાજસ્થાનનાં સાંસદ હનુમાન બેનિવાલે પણ વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતનાં રાજપાલ અને મુખ્યમંત્રીને ટિવટ કરી આ ઘટનામા સીબીઆઇ તપાસની માંગણી કરી છે અને આ મુદો સંસદમા ઉઠાવવાની પણ જાહેરાત કરી છે. તેણે ગુજરાતમા રહેતા જાટ સમુદાયને આ પરિવારની ન્યાયની લડતમા સાથ આપવા અપીલ કરી છે. તેણે ગુજરાત પોલીસને પણ મૃતક યૂવકનાં પરિવાર ઉપર ખોટુ દબાણ નહીં તથા એફઆઇઆર નોંધવા જણાવ્યુ છે.
મારા પુત્રની હત્યા થઇ છે, અમને ન્યાય અપાવો : પિતાનો કલ્પાંત
ગોંડલમા પાઉભાજીનો ધંધો કરતા રતનલાલે જુવાનજોધ પુત્રને ગુમાવતા તેમણે આજે પોસ્ટમોર્ટમ ખાતે મિડીયા સમક્ષ આક્ષેપો કર્યા હતા કે મારા પુત્રની હત્યા કરવામા આવી છે. આ ઘટનામા પોલીસ તટસ્થ તપાસ કરે અને અમારા પરીવારને ન્યાય અપાવે. સાથે સાથે તેઓએ જણાવ્યુ હતુ કે રૂરલ પોલીસ દ્વારા અગાઉ કરવામા આવેલી અરજી મામલે પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં બંગલે પહોંચી અને અંદરનાં સીસીટીવી ફુટેજ મેળવે જેથી સત્ય હકીકત બહાર આવી શકે.