ઉપલેટાના ભાયાવદરમાંથી પરપ્રાંતીયની લાશ મળી
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે એક ચેકડેમમાંથી ત્રણ દિવસથી લાપતા થયેલ પરપ્રાંતિય શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવતા ભાયાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
ભાયાવદર પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની દિકીયો મુન્નાભાઈ બાંભણિયા નામના આશરે 30 વર્ષીય યુવક ઘણા સમયથી ઉપલેટા તાલુકાના ભાયાવદર પાસે આવેલ પડવલા ગામે છૂટક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય આ યુવક છેલ્લા બે ત્રણ દિવસથી લાપતા થયેલ હોય. ભાયાવદરના જામવાડી નામના કહેવાતા વિસ્તારના ચેકડેમમાંથી આ યુવકનો કોહવાઈ ગયેલી હાલતમાં પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો જેને પગલે ભાયાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવકનો હાલ આપઘાત છે કે હત્યા એ પોલીસ તપાસ બાદ સત્ય હકીકત જાણવા મળશે. હાલ તો આ યુવકના મૃતદેહને કોહવાઈ ગયેલ હાલતમાં હોવાથી રાજકોટ ફોરેન્સિક લેબમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે જેના રિપોર્ટ બાદ જ સાચી માહિતી બહાર આવશે તેવું સૂત્રો દ્વારા જણાવાયું છે. હાલ ભાયાવદર પોલીસ પણ આગળ તપાસ ચલાવી રહી છે.