વેરાવળના દરિયામાં લાપતા થયેલ યુવતીનો મૃતદેહ માંગરોળથી મળ્યો
વેરાવળ નજીક આવેલા આદ્રી બીચ પર તા.7 ના ગમખ્વાર દુર્ઘટના બનેલ જેમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરતા પાંચ લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીને કારણે ચાર યુવક ને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ એક યુવતી લાપતા બનેલ જેની શોધખોળના અંતે આજે માંગરોળના દરિયામાંથી મળી આવેલ છે.
આ બનાવની પ્રાથમિક માહિતી મુજબ આદ્રી બીચ પર યુવક-યુવતીઓનો સમૂહ ફોટો શૂટ કરી રહેલા તે સમયે અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઊછળી અને પાંચેય લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી.
આ અણધારા બનાવને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
બનાવની જાણ થતાં નવાપરા ના સરપંચ ભામાભાઇ મસરીભાઇ પરમાર, મસરી ભાઇ જીવાભાઇ પરમાર સહિત ના યુવાનો સ્થળ પર દોડી જઇ ફાયરબ્રિગેડ, પોલીસતંત્ર, સ્થાનિક તરવૈયાઓ, એનડીઆરએફની ટીમ સહીતના દ્વારા કરાયેલી બચાવ કામગીરી ના પરિણામે પાંચ પૈકી ચાર ને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા જયારે 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર રહે.નવાપરા લાપતા બનેલ તેની શોધખોળ ચાલી રહેલ જે દરમિયાન આજે માંગરોળ તરફ ના દરિયામાં એક હોડી ચાલકના ધ્યાને દરિયામાં તરતો મૃતદેહ જોવા મળતા તેની તપાસ કરતા આ મૃતદેહ દરિયામાં લાપતા બનેલી યુવતી જ્યોતિનો હોવાનું બહાર આવેલ અને તેની જાણ નવાપરા ગામે રહેતા પરિવારજનોને જાણ કરતા તમામ લોકો માંગરોળ ખાતે પહોંચી અને જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણા ગામ ની વતની હોય તેની અંતિમવિધિ ઢેલાણા ગામે થનાર હોવાનું જાણવા મળેલ છે.
