જાફરાબાદના દરિયામાં લાપતા 11માંથી બે માછીમારના મૃતદેહ મળ્યા
સતત પાંચમાં દિવસે 9 સાગરખેડૂ લાપતા, કોસ્ટગાર્ડના બે જહાજ દ્વારા અને વિમાન દ્વારા શોધખોળ
સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે દરિયામાં ભારે કરંટ છે, જેને પગલે અમરેલીના દરિયામાં 3 બોટ ડૂબી હતી, જેમાં 11 માછીમાર લાપતા થયા હતા. એમાંથી આજે ચોથા દિવસે 2 મૃતદેહ મળ્યા છે. આજે મધરાતે બન્ને મૃતદેહને જાફરાબાદ લાવવામાં આવશે.
કોસ્ટગાર્ડે દરિયો ખૂંદીને બે માછીમારોના મૃતદેહોને શોધી કાઢ્યા છે. જાફરાબાદના દરિયાકિનારાથી 30 નોટિકલ માઈલ દૂરથી બન્નેના મૃતદેહ મળ્યા છે. પીપાવાવ કોસ્ટગાર્ડના જહાજ ટીમ દ્વારા છેલ્લા ચાર દિવસથી શોધખોળની કામગીરી હાથ ધરાઈ હતી. મૃતદેહ મળતાં માછીમારોમાં શોકનો માહોલ છવાયો છે.
ગત તારીખ 19 ઓગસ્ટના રોજ જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર જાફરાબાદની જયશ્રી તાત્કાલિક અને દેવકી નામની બોટ, જ્યારે રાજપરા મુરલીધર નામની એક બોટ મળી કુલ ત્રણ બોટ ડૂબી હતી, જે ત્રણેયમાં 28 માછીમાર સવાર હતા. એમાંથી 17ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 11 માછીમાર ગુમ થયા હતા, જેમની શોધખોળ બાદ આજે ચોથા દિવસે બે મૃતદેહ મળ્યા છે.
જાફરાબાદની બે બોટ જયશ્રી તાત્કાલિક, દેવકી અને ગીર સોમનાથના રાજપરાની મુરલીધર મળી કુલ 3 બોટ ડૂબવા મામલે પોરબંદરથી કોસ્ટગાર્ડ વિમાન અને 2 કોસ્ટગાર્ડ જહાજ દ્વારા મધદરિયે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 11 માછીમાર મધદરિયામાં ડૂબ્યા બાદ આજે ચોથા દિવસે બેના મૃતદેહ મળ્યા છે, જોકે હજુ ગુમ માછીમારોની શોધખોળ ચાલી રહી છે. મુખ્યમંત્રીએ સૂચના આપ્યા બાદ જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. પીપાવાવ કોસ્ટગાર્ડ તેમજ પોરબંદર કોસ્ટગાર્ડના જવાનો વિમાન તેમજ જહાજ મારફત દરિયાઈ સીમા પર શોધખોળ કરી રહ્યા છે.