સસોઇ નદીમાં તણાયેલા બે ખેડૂતોના મૃતદેહો મળ્યા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સસોઈ નદીમાં શનિવારે મોડી સાંજે બે ખેડૂત તણાયા હતા. જે પૈકી એક ખેડૂત પ્રૌઢ નો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજા ખેડૂત યુવાનની શોધખોળ ચલાવાઇ રહી હતી, જે યુવાનને 30 કલાકની જહેમત પછી ગઈકાલે બપોર બાદ તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. જે મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા છોટુભા મનુભા જાડેજા (55) તેમજ તેના પાડોશી લાલુભા મહિપતસિંહ જાડેજા (ઉંમર વર્ષ 27) કે જેઓ બંને ખેતી કામ પૂર્ણ કરીને પોતાના ઘેર પગપાળા ચાલીને સસોઈ નદી ઓળંગી રહ્યા હતા. જે દરમિયાન એકાએક નદીનો ધસમસતો પ્રવાહ પસાર કરવા જતાં બંને તણાયા હતા. જે બનાવની જાણ થતા અન્ય લોકોએ બુમાબૂમ કરી હતી.
દરમિયાન કાલાવડ અને જામનગર ફાયર બ્રિગેડની ટીમ બનાવના સ્થળે આવી પહોંચી હતી, જ્યારે કેટલાક તરવૈયાઓ પણ તેઓને શોધવા માટે મદદમાં જોડાયા હતા. દરમિયાન છોટુભા જાડેજાનો મૃતદેહ હાથ લાગ્યો હતો, જયારે લાલુભા જાડેજા નદીના પાણીમાં લાપતા બન્યા હોવાથી તેઓની ફાયર બ્રિગેડની ટુકડી દ્વારા શોધખોળ ચલાવાઈ રહી હતી. આ બનાવની જાણ થવાથી લાલપુરની પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, જ્યારે લાપતા બની ગયેલા લાલુભા જાડેજાની શોધખોળ ચલાવ્યા બાદ 30 કલાકની જેમતના અંતે ગઈકાલે બપોરે તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો, જેથી આ બનાવમાં મૃત્યુનો આંક બે નો થયો છે.