બોર્ડના પેપર સ્ટ્રોંગરૂમમાં સીલ, 69,284 શિક્ષકને મૂલ્યાંકનના ઓર્ડર
ચૌધરી હાઇસ્કૂલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, આવતીકાલથી સૌરાષ્ટ્રના જિલ્લા વાઇઝ પ્રશ્ર્નપત્ર વિતરણનો પ્રારંભ
ઉત્તરવહી ચકાસણી માટે 458 મધ્યસ્થ કેન્દ્રો પર વ્યવસ્થા, 119 જેટલા વિષયના પેપરની ચકાસણી થશે
ગુજરાત મિરર, રાજકોટ,તા.21
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની પરીક્ષા ધો.10 અને ધો.12ની આગામી તા.27 ફેબ્રુઆરીથી પ્રારંભ થવાનો છે. જેની તૈયારીઓને બોડર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બોર્ડ દ્વારા રાજકોટ ખાતે આજે પ્રશ્નપત્ર આવી ગયા હતા અને તેને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂપમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. જયારે પરીક્ષા અગાઉ જ શિક્ષણ વિભાગ દ્વારા ઉતરવહીના મુુલ્યાંકન માટે 69 હજાર જેટલા શિક્ષકોના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે તા.27મીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાની મોટાભાગની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોનના પેપરો રાજકોટ ખાતે બોર્ડ દ્વારા મોકલવામાં આવ્યા છે. જેને ચૌધરી હાઇસ્કુલ ખાતે કાર્યરત સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા છે અને આવતીકાલે પંચની હાજરી અને શિક્ષણ વિભાગના નિમાયેલા ઓબ્જરવરના નિરીક્ષણમાં સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં વિતરણ કરવામાં આવશે. હાલ ચૌધરી હાઇસ્કુલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે 65 કેન્દ્રો પર 2753 બ્લોકમાં 76312 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. હાલ હોલ ટીકીટ પણ બોર્ડની વેબસાઇટ પર મુકી દેવામાં આવી છે. જે છાત્રો ડાઉનલોડ કરી શકશે તેમજ પરીક્ષા દરમ્યાન મુંઝવણ હોય તો તેના નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર અને સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકન માટેની કામગીરી શરૂૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. શિક્ષકોના મૂલ્યાંકન માટેના ઓર્ડર પણ ઈશ્યૂ કરાયા છે. જેથી હવે શિક્ષકો પરીક્ષાની કામગીરી ચાલુ હશે તે સાથે જ મૂલ્યાંકનની કામગીરી પણ શરૂૂ કરી દેશે.
મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં 458 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર 30 મુખ્ય વિષયો અને 89 માઈનોર વિષય મળી કુલ 119 વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરાશે. આ માટે સમગ્ર રાજ્યમાંથી 69284 શિક્ષકોને મૂલ્યાંકન કામગીરીના ઓર્ડર ઈશ્યૂ કરાયા છે. ધો.10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 214 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર 35510 શિક્ષકો 9 મુખ્ય વિષયો અને 28 માઈનોર વિષયો મળી કુલ 37 વિષયોની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 175 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરાયા છે. સામાન્ય પ્રવાહની ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યના 25092 શિક્ષકોને ઓર્ડર ઈશ્યૂ કરાયા છે.
આ શિક્ષકો દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહના 15 મુખ્ય વિષય અને 48 માઈનોર વિષય મળી કુલ 63 વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરશે. જ્યારે ધો.12 સાયન્સમાં 69 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. જ્યાં રાજ્યના 8682 શિક્ષકો 6 મુખ્ય વિષય અને 13 માઈનોર વિષય મળી કુલ 19 વિષયોની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે. બોર્ડ દ્વારા વહેલા પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેના ભાગરૂૂપે અત્યારથી જ મૂલ્યાંકન કેન્દ્ર સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
DEO કેન્દ્ર અને બ્લોકની વ્યવસ્થા પર નજર રાખશે
બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીઓને કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાની વિવિધ વિભાગીય કચેરીઓ સાથે સંકલનમાં રહી અને છાત્રો માટે કરવામાં આવેલી વ્યવસ્થા પર સતત નજર રાખશે. જિલ્લાના કેન્દ્ર, બ્લોક, ઝોનલ કચેરી, બિલ્ડીંગ, કંટ્રોલ રૂમમાં પોલીસ બંદોબસ્ત મુકવા સુચના આપી છે. પરીક્ષા સ્થળે આરોગ્યની ટીમ મુકવા અને ગામડામાંથી આવતા છાત્રોને એસ.ટી.ની સુવિધા પુરી પાડવા માટે પણ સુચના અપાઇ છે. આ તમામનું મોનીટરીંગ ડિઇઓ કરશે.
5-5ની બે ટીમો સ્થાનિક કક્ષાએ ચેકિંગ સ્કવોડમાં ઉતારી
પરીક્ષા પારદાર્શકાથી લેવાય અને ગેરરીતી ન થાય તે માટેના નિરીક્ષણ સંદર્ભે ડિઇઓ દ્વારા 5-5 સભ્યોની બે સ્થાનિક સ્કવોડની રચના કરવામાં આવી છે. જિલ્લામાં આ વખતે આ પ્રથમ વખત સ્થાનિક ચેકીંગ સ્કવોર્ડ બનાવવામાં આવી છે. જે પરીક્ષા દરમ્યાન વિવિધ પરીક્ષા સેન્ટરનું ચેકીંગ કરશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા પણ ચેકીંગ સ્કવોડર્ર મુકવામાં આવી છે. ઉપરાંત રાજકોટ જિલ્લામાં એક પણ સંવેદનશીલ સેન્ટર નથી પરંતુ જે કેન્દ્ર પર જરૂર લાગશે ત્યાં ખુદ હું ચેકીંગ કરવા જઇશ તેમ ડિઇઓ કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું.