For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોર્ડની પરીક્ષા પૂર્ણ, પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ

05:43 PM Mar 10, 2025 IST | Bhumika
બોર્ડની પરીક્ષા પૂર્ણ  પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ
oplus_2097152

Advertisement

આજે ધો.10માં દ્વિતીય અને ધો.12 સાયન્સમાં પ્રથમ અને દ્વિતીય ભાષા, કોમ્પ્યુટરનું અંતિમ પેપર લેવાયું, સામાન્ય પ્રવાહની તા.17 માર્ચ સુધી પરીક્ષા ચાલશે: અંતિમ પેપર સાથે વિદ્યાર્થી અને શિક્ષણ વિભાગે રાહતનો શ્ર્વાસ લીધો: 45 દિવસ વિદ્યાર્થીઓ કરશે મજામજા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો.10 અને 12ની પરીક્ષા આજે અંતિમ પેપર સાથે પુર્ણ થઇ છે. ધો.10માં દ્વિતીય ભાષા અને ધો.12 સાયન્સમાં પ્રથમ અને દ્વિતીય ભાષા તેમજ કોમ્પ્યુટરના પેપર લેવાયા હતા. જયારે સામાન્ય પ્રવાહમાં તા.17 મર્ચ સુધી પરીક્ષા લેવાશે. અંદાજે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થતા ખુશખુશાલ થઇ બહાર નીકળ્યા હતા.

Advertisement

બોર્ડની પરીક્ષામાં મોટાભાગના પેપરો સરળ નિકળ્યા હતા. પુસ્તક આધારીત જ પેપરો નિકળતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પેપરોને સ્ટ્રોંગરૂમમાં સિલ કરી દેવામાં આવ્યા છે. જયારે આગામી દિવસોમાં શિક્ષકોને પેપર ચકાસણીના ઓર્ડર આપતા તેના મુલ્યાંકનની કામગીરીનો પ્રારંભ થશે. પરીક્ષા પુર્ણ થતા વિદ્યાર્થીઓએ પણ 45 દિવસની રજાનું અત્યારથી જ પ્લાનીંગ કરી દીધુ છે અને છાત્રોની સાથે વાલી અને શિક્ષણ વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે.

ધો.10માં આજે દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષા સાથે ધો.10ના 8.92 લાખ વિદ્યાર્થીઓની તમામ પરીક્ષાઓ પૂર્ણ થઇ છે. જ્યારે ધો.12 સાયન્સમાં પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા અને કમ્પ્યુટર વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ સાથે સાયન્સમાં 1.11 લાખ વિદ્યાર્થીઓની તમામ વિષયની પરીક્ષા પૂર્ણ થઇ હતી. જેથી ધો.10 અને 12 સાયન્સના 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનો હાઉ દૂર થયો છે. આ સાથે સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષા પણ પૂર્ણ થઇ છે.

ધો.12 સામાન્ય પ્રવાહમાં હિન્દી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ ઉપરાંત સામાન્ય પ્રવાહમાં હજુ સેક્રેટેરીયલ પ્રેક્ટિસ, સામાજિક વિજ્ઞાન, રાજયશાસ્ત્ર, ચિત્રકામ તથા સંસ્કૃત જેવા જ વિષયોની પરીક્ષા બાકી છે. આમ, સામાન્ય પ્રવાહમાં પણ મહત્ત્વના વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ છે અને બાકી રહેલા વિષયોની પરીક્ષા 17 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. આમ, હવે પેપર બાદ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ બોર્ડે અને જિલ્લા કક્ષાએ પણ પરીક્ષાને લગતી દોડધામમાંથી રાહત મળી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement