બોર્ડ અને પ્રાથમિક શાળાઓની પરીક્ષાનું મેના પ્રથમ સપ્તાહમાં સંભવિત પરિણામ
પેપર મૂલ્યાંકનની કામગીરી પૂર્ણતાના આરે, તા. 5 મેથી ઉનાળા વેકેશનનો પ્રારંભ
બોર્ડની પરિક્ષાના પરિણામોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10, 12ની પરીક્ષાનું પરિણામ આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે. વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે.. જેથી આ સપ્તાહની અંદર પરિણામો જાહેર કરી દેવાશે.. ધોરણ 12 સાયન્સનું પરિણામ મહિનાની શરૂૂઆતમાં આવશે તેવું જાણવા મળ્યું છે.
ધોરણ 10 અને ધોરણ 12ના 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10માં 8 લાખ 92 હજાર 882 વિદ્યાર્થીઓએ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4 લાખ 23 હજાર 909 વિદ્યાર્થીઓએ અને ધોરણ 12 સાયન્સમાં 1 લાખ 11 હજાર 384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.. ગુજરાતના 16 હજાર 661 કેન્દ્રોમાં પરીક્ષાનુ આયોજન કરાયું હતું.
રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક શાળાઓમાં 4 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂૂ થઈ હતી. જેમાં પ્રથમ તબક્કામાં ધો.3થી 5ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા 15 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ 16 એપ્રિલથી ધો.6થી 8ની પરીક્ષાનો તબક્કો શરૂૂ થયો હતો. બીજા તબક્કાની પરીક્ષામાં શુક્રવારે છેલ્લું પેપર લેવામાં આવ્યું હતું. આમ, શુક્રવારે ધો.6થી 8ની બીજા તબક્કાની પરીક્ષા સાથે પ્રાથમિક વિભાગની તમામ પરીક્ષાઓ સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે.
પ્રાથમિક વિભાગમાં પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ ઉત્તરવહી મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. જેમાં ધો.3થી 5માં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ધો.6થી 8ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ થશે. રાજ્યની શાળાઓમાં 5 મેથી ઉનાળું વેકેશનનો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે, જેથી તે પહેલા તમામ પરિણામ જાહેર કરી દેવાનું આયોજન કરાયું છે. જેથી એપ્રિલના અંત સુધીમાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કર્યા બાદ મેના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર કરી દેવાશે.