BMW અકસ્માત કેસ; આ અકસ્માત નહીં હત્યા છે : માતા
આરોપીના સબંધીઓ ઘરે આવ્યા હતા, તેઓએ કહ્યું આ તો અમે મળવા આવ્યા નહિ તો તમે શું કરી લેવાના હતા !
રાજકોટ શહેરમા કાલાવડ રોડ પર 3 દીવસ પહેલા ઉધોગપતિ બીએમડબલ્યુ કારનાં ચાલકે ઓવર સ્પીડમા વાહન ચલાવી એક સ્કુટર ચાલક યુવાનને ઠોકરે લઇ મોત નીપજાવ્યુ હતુ. આ ઘટનામા સ્કુટર ચાલક પ0 ફુટ દુર સુધી ફંગોળાયો હતો અને 10 ફુટ ઉંચો ઉછળ્યો હતો તેમજ અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કુટરનાં બે કટકા થઇ ગયા હતા . આ ઘટનામા તાલુકા પોલીસે આરોપીને પકડયાનાં ર4 કલાકમા જામીન મળી જતા મૃતકનાં પરીવારજનોએ પોલીસ અને સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી છે તેમજ પોલીસની તપાસ સંતોષ કારક ન જણાતા આવનાર દીવસોમા ગૃહમંત્રીને રજુઆત કરવામા આવશે તેવુ પણ જણાવ્યુ છે.
આ મામલે પરીવારજનોનુ કહેવુ છે કે આ ઘટનામા આરોપી સામે મનુષ્ય વધની કલમ શા માટે લગાવવામા ન આવી ? લાઇસન્સ સસ્પેન્ડ કેમ ન કરાયુ ? તેમજ આરોપીને કડક સજા થાય તે માટે ગૃહમંત્રી તેમજ પોલીસ સમક્ષ માંગ કરી છે. મૃતક અભિષેકનાં માતા એ જણાવ્યુ હતુ કે આરોપીને જો છોડી મુકયો છે તો આજે મારો દીકરો ગયો છે . કાલે બીજાનો દીકરો પણ જઇ શકે તેમ છે . પોલીસે આ ઘટનામા સંતોષ કારક કાર્યવાહી કરી નથી તેમજ કાર ચાલક આત્મન પટેલનાં પરીવારજનો પૈસાદાર હોય એટલે પૈસાનાં જોરે તેમને છોડાવી લીધો છે.
તેમજ અભિષેકનાં ભાભુ તારાબેને જણાવ્યુ હતુ કે આજે અમે અમારો દીકરો ગુમાવ્યો તેનુ દુખ છે . અમારી એક જ માંગણી છે કે સરકારનાં કાયદામા જોગવાઇ હોય તો આરોપીને ફાંસીની સજા આપો. ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે અમારા દીકરા સાથે આવુ થયુ છે અને આરોપી ર4 કલાકમા છુટી ગયો છે તો કોઇ રાજકીય નેતાનાં દીકરા સાથે આવુ થાય તો તમો શું કરો ? સામાન્ય રીતે આપણે જોઇએ તો લર્નીગ લાયસન્સ ન હોય તો ચાલકનાં માતા - પિતાને સજા થાય છે . તો આ મોટા ગુનામા ચાલક આત્મન પટેલને કોઇ સજા કેમ ન થઇ ?
તેમજ મૃતકનાં પરીવારજનોએ જણાવ્યુ હતુ કે આત્મન પટેલનાં પરીવારજનો અમારા ઘરે આવ્યા હતા અને તેમાથી એક શખ્સે કહયુ હતુ કે અમે તમને મળવા આવ્યા છીએ . નહીંતર તમે અમારુ શું કરી લેવાનાં હતા ? અને ધમકી આપીને ગયા છે. આરોપી આત્મન પટેલનાં પરીવારજનો મૃતક અભિષેક પટેલનાં પરીવારનુ મોઢુ બંધ કરવા માગે છે . તેમજ મૃતકનાં બહેને જણાવ્યુ હતુ કે પોલીસ સામાન્ય રીતે છરી સાથે પકડાયેલા આરોપીઓને મીડીયા સમક્ષ જાહેર કરે છે . તો આ અકસ્માત સર્જી એક યુવાનનુ મૃત્યુ નીપજાવનાર કાર ચાલક આત્મન પટેલનાં મોઢે રૂમાલ બાંધી કેમ દેખાડવામા આવ્યો હતો ?