બ્લેકઆઉટના સમયમાં ફેરફાર, તબક્કાવાર 9 વાગ્યા સુધી મોકડ્રિલ
પૂર્વ ગુજરાતમાં પ્રથમ અને મધ્યગુજરાતમાં છેલ્લે રિહર્સલ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે વળતો પ્રહાર કર્યો છે. મંગળવારે મોડી રાત્રે એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓને તબાહ કરી નાંખ્યા હતાં. આ ઘટનામાં 100 કરતાં વધુ આતંકીઓના મોત થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ સમગ્ર દેશમાં આજે મોકડ્રીલ યોજાઈ રહી છે. ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 7.30 થી 9 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાશે અને ત્યારબાદ બ્લેક આઉટ થશે.
રાજ્યના 18 જિલ્લાઓમાં યોજાનારી મોકડ્રીલ બાદ થનારા બ્લેક આઉટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજયમાં ક્ષેત્ર પ્રમાણે બ્લેક આઉટનો સમય નિશ્ચિત કરાયો છે. 7.30થી આઠ અને ત્યારબાદ તબક્કાવાર બ્લેક આઉટ થશે. પૂર્વ ગુજરાતના સાત જિલ્લામાં 7.30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાશે. પશ્ચિમ ગુજરાતના 5 જિલ્લામાં 8થી 8.30 સુધી બ્લેક આઉટ રહેશે. મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં 8.30થી 9 વાગ્યા સુધી બ્લેક આઉટ રહેશે.
અમદાવાદ કલેક્ટરના જણાવ્યા પ્રમાણે શહેરમાં ત્રણ સ્થળોએ મોક ડ્રીલ યોજાશે. પેલેડિયમ મોલ, વટવા જીઆઈડીસીમાં મોકડ્રીલ યોજાશે. તે ઉપરાંત જિલ્લાના 6 સ્થળો પર મોકડ્રીલ યોજવામાં આવશે. ધંધૂકા નગર પાલિકા, વિરમગામ ટેંક ફાર્મ, પીરાણા, ચાંગોદરમાં ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ, ગણેશપુરા કોઠા મંદિર અને સાણંદ જીઆઈડીસીમાં મોકડ્રીલ યોજાશે.