સમગ્ર જિલ્લામાં રાત્રે 8થી 8:30 કલાક દરમિયાન તંત્ર દ્વારા બ્લેક આઉટ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. 7 મે, 2025 ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.
ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ તા. 31 મે, શનિવાર ના રોજ સાંજે 5 કલાકે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે.જેના ભાગરૂૂપે એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે પણ આ મોકડ્રિલ યોજવાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયુ છે.સાથે જ સમગ્ર જિલામાં તા . 31 ના રોજ રાત્રે 8 થી 8:30 કલાક દરમિયાન તંત્ર દ્વારા ફરજિયાત બ્લેકઆઉટ કરવામાં આવશે. જેમાં નાગરિકોને ઉચિત સહયોગ આપવા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરાઈ છે.
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂૂપે જામનગર જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન થશે.
આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, ગઈઈ, ગજજ, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ જેવા યુવા વોલીન્ટીયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રુમ વચ્ચે હોટલાઇન ઉભી કરવાની, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત સંભવિત હુમલા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ અને રકતદાન સંદર્ભે જરુરી કાર્યવાહી કરવા તેમજ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં બોર્ડર વિંગના હોમ ગાર્ડ્સ, આર્મ્ડ વિંગના જવાનોનું તાત્કાલિક ડીપ્લોયમેન્ટ કરવા તેમજ જરુરી એક્શન પ્લાન બનાવવા સંદર્ભે પણ જરુરી સૂચનાઓ આપવામાં આવી છે.