બિહારમાં ભાજપની ઐતિહાસિક સફળતા, ગુજરાત બાદ દિલ્હીમાં પણ પાટીલનો પાવર
ગુજરાતમાં ભાજપ માટે ઐતિહાસિક સફળતા અપાવનારા નેતા અને બિહારના સહપ્રભારી સી.આર. પાટીલની સંગઠનાત્મક મહેનત હવે બિહારમાં પણ રંગ લાવી છે. બિહારમાં એનડીએ (ગઉઅ)ના શાનદાર પ્રદર્શન પાછળ પાટીલની રણનીતિ અને જમીની સ્તર પરનું પ્લાનિંગ ખૂબ મહત્વનું સાબિત થયું હોવાનુ માનવામા આવે છે.
ગુજરાતમાં પાર્ટીને રેકોર્ડબ્રેક જીત અપાવ્યા બાદ પાટીલને બિહારમાં સહપ્રભારી તરીકેની મોટી અને પડકારજનક જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવીને કાર્યકર્તાઓને દરેક બેઠક પર સંપૂર્ણ જોર લગાવવા માટે પ્રેરિત કર્યા. પાટીલે પોતે પણ આ સફળતાનો શ્રેય મહેનતુ કાર્યકર્તાઓને આપતા કહ્યું હતું કે, દરેક બેઠકો પર કાર્યકર્તાઓએ પોતાનું જોર લગાવ્યું, જેના કારણે આ શાનદાર પ્રદર્શન શક્ય બન્યું છે. આમ પાટીલની સંગઠન ક્ષમતાએ બિહારમાં એનડીએની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.
ઉલ્લેખનિય છે કે , સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવ્યા બાદ બિહારની ચૂંટણીમા ભાજપે તેમને સહપ્રભારીની જવાબદારી સોંપી હતી. પાટીલે બિહારમા અનેક બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાથી માંડી ભાજપનાં ઉમેદવારોને વધુને વધુ મત મળે તેમજ હરિફ ઉમેદવારોના મતો કાપવા માટે આખી વ્યહરચના ઘડી હતી અને આ ચક્રવ્યુહમા સફળતા મળતા સી.આર. પાટીલનો દબદબો વધ્યો છે. ગુજરાત બાદ હવે દિલ્હીમા પણ પાટીલ વજનદાર નેતા તરીકે ઉભરી આવ્યા છે. બિહારમા ભાજપ સૌથી વધુ બેઠક મેળવી નાના ભાઇમાંથી મોટા ભાઇની ભૂમિકામા આવી જતા હવે પાટીલની ગણના પણ દેશના મોટાગજાના નેતાઓમા થવા લાગી છે.