ભાજપની ભાગબટાઈનો ડખો બજારમાં આવ્યો: વિપક્ષ
ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચડીને પોકારી: કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાના આક્ષેપો
મહાનગરપાલિકાના મેયર પ્રયાગરાજ જઈને કુંભ સ્નાન કરી આવ્યા જે પ્રકરણ છેલ્લા ત્રણ દિવસથી ખુબ ગાજી રહ્યું છે. સરકારી ગાડીનો દૂરઉપયોગ કરી પુણ્યનું ભાથુ બાંધ્યા બાદ હવે મેયર દ્વારા જુથબંધી સહિતના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે શહેર કોંગ્રેસ અને મનપાના વિપક્ષી નેતા દ્વારા બાજપ ઉપર ખુલમખુલ્લા આક્ષેપો કરી જણાવ્યું હતું કે, ભાજપનું પાપ છાપરેચડીને પોકારી રહ્યું છે.
ભાગ બટાઈમાં વાંધો પડ્યો અને બજારમાં આવ્યો એટલે હવે જૂથવાદના આક્ષેપો કરી રહ્યા છે. સત્તા પર આવ્યુ ત્યારથી ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર જ આચરવામાં આવી રહ્યો છે. મેયર દ્વારા આ બાબતે હાઈકમાન્ડમાં ફરિયાદ કરવાની તૈયારી કરી છે તો અત્યારે જ ખુલ્લીને નામ જાહેર કરવા જોઈએ અને મેયર દ્વારા કરવામાં આવેલ કૃત્ય ગંભીર છે ભ્રષ્ટાચાર થયો છે જે મુદ્દે અમે લોકોએ કમિશનરને લેખીતમાં રજૂઆત કરી રૂા. 2 ભાડુ રદ કરી મેયર પાસેથી રૂા. 18થી 25નો ચાર્જ વસુલવામાં આવે તેમ જણાવ્યું છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, ભાજપમાં વિખવાદ ચાલી રહ્યો છે અને તેનો હાથો મહિલા મેયરને બનાવવામાં આવ્યા છે. એક મહિલા પોતાની આપવિતિ મીડિયા સમક્ષ કહે છે ત્યારે દુખની લાગણી થાય છે આ અંદરો અંદરની લડાઈમાં તેમનો ભોગ લેવાયો છે જેનો બળાપો મેયર ઠાલવી રહ્યા છે. ત્યારે અત્યારે જ ખુલ્લીને જૂથવાદનો લાભ લેનાર લોકોના નામ મેયરે જાહેર કરવા જોઈએ પ્રજાએ સત્તા પર બેસાડ્યા એટલે ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. એકવાત ચોક્કસ છે કે, કોઈપણ એક જૂથ દ્વારા ભ્રષ્ટાચાર થયો છે જેને પુરો પાડવો જોઈએ અને આ જૂથવાદના કારણે થઈ રહેલા ભ્રષ્ટાચારને લોકોએ હવે સમજવાનો વારો આવ્યો છે. તેમ જણાવ્યું હતું.