ભાજપ ધમકી આપે છે, મોરબીમાં ‘આપ’, ‘કોંગ્રેસ’ના નેતાઓ પહોંચ્યા પોલીસ સ્ટેશને
મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે પૂરજોશ મહેનત કરી રહ્યા છે. દરમિયાન, આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂૂ થયો છે. માહિતી છે કે ગત મોડી રાતે હળવદ પોલીસ મથકે કોંગ્રેસ અને આપના નેતાઓ કાર્યકરો સાથે પહોંચ્યા હતા અને ઉમેદવારો અને ટેકેદારોને જીવનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ આપવા લેખિતમાં રજૂઆત કરી હતી. ભાજપ દ્વારા ધમકી અપાતી હોવાનો આરોપ પણ કરાયો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં માહોલ વચ્ચે મોરબીમાંથી મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, હળવદ પોલીસ મથકે ગત મોડી રાતે કોંગ્રેસ અને આપનાં નેતાઓ કાર્યકરો સાથે પહોંચ્યા હતા. કોંગ્રેસ શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે, તાલુકા પ્રમુખ ડો. કે. એમ. રાણા અને આપનાં શહેર પ્રમુખ વિપુલ રબારી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા હતા.
નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપનાં વિવિધ આગેવાનો દ્વારા તેમનાં ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવાની ધમકી આપવામાં આવી રહી છે.આ સાથે કોંગ્રેસ અને આપ નાં નેતાઓએ જીવનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ આપવામાં આવે એવી લેખિત રજૂઆત કરી હતી. કોંગેસ અને આપ નાં ઉમેદવારો ભયમાં હોવાથી પોલીસ રક્ષણની માંગ કરાઈ છે. મોરબીમાં નગરપાલિકાની 7 વોર્ડમાં 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે.