વિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયાં અને બંને બેઠકોનાં પરિણામ 2022ની વિધાનસભા ચૂંટણી જેવાં જ આવ્યાં છે. 2022ની ચૂંટણીમાં કડી વિધાનસભા બેઠક ભાજપના કરશન સોલંકીએ જીતી હતી પણ સોલંકીનું નિધન થતાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની 39, 452 મતે જીત થતાં આ બેઠક ભાજપે જાળવી છે. 2022માં વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ જીતી હતી પણ ભૂપેન્દ્ર ભાયાણી પક્ષપલટો કરીને ભાજપમાં જતા રહેતાં ખાલી પડેલી બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઊભા રાખેલા.
ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17,554 મતે હરાવીને જીત મેળવતાં વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીએ જાળવી છે. ભાજપ અને આપ બંનેએ પોતપોતાની બેઠકો જાળવતાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છતાં ભાજપ માટે આ પરિણામ નિરાશાજનક ચોક્કસ છે. તેનું કારણ એ કે, વિસાવદર બેઠક જીતવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી. ભાજપ 2017માં જીતનારા કોંગ્રેસના હર્ષદ રીબડિયા અને 2022માં જીતનારા આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણી એમ બબ્બે ધુરંધરોને તોડીને લઈ આવેલો. ભાજપે પોતાનું પોતાનું આખું તંત્ર ઈટાલિયાને હરાવવા કામે લગાડી દીધેલું છતાં ગોપાલ ઇટાલિયાને હરાવી શક્યો નથી.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતી હતી પણ જે બેઠકો ભાજપ જીતી નહોતો શક્યો તેમાં એક વિસાવદરની પણ હતી. પહેલી જ વાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતીને ખાતું ખોલાવ્યું તેમાં એક બેઠક વિસાવદરની પણ હતી. આ બંને બેઠકોની પેટાચૂંટણીએ ફરી સાબિત કર્યું છે કે, કોંગ્રેસ ગુજરાતમાં મરણપથારીએ પડેલી છે. કડીમાં કોંગ્રેસના ઉમેદવારની લગભગ 40 હજાર મતે હાર થઈ જ્યારે વિસાવદરમાં તો કોંગ્રેસના ઉમેદવારને માંડ 5500ની આસપાસ મતો મળ્યા છે એ જોતાં કશું કહેવા જેવું પણ રહ્યું નથી.
ગુજરાતની કડી અને વિસાવદરની સાથે યોજાયેલી પેટાચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રસ, પંજાબમાં આમ આદમી પાર્ટી અને કેરળમાં કોંગ્રેસ જીતી છે. આ પરિણામો ધારણા પ્રમાણેનાં છે તેથી તેનું એનાલિસિસ કરવાનો મતલબ નથી.